રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટની મુલાકાતે: આયોગે બે વર્ષમાં કરેલી કામગીરીની વિગતો આપી
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ આયોગે કરેલી બે વર્ષની કામગીરીની વિગતો આપી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં પણ સફાઈ કર્મીઓ માટે આયોગ રચવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જામનગરમાં ૨૫૦૦ સફાઈ કર્મચારીઓને કૌશલ્ય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તાલીમ આપવાનો પાયલોટ પ્રોજેકટ શ‚ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ બાદ દેશભરના સફાઈ કર્મચારીઓને તાલીમ આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવશે.
મનહર ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં લગભગ ૧ કરોડ લોકો સફાઈ કામ સાથે સંકળાયેલા છે. જેના વિવિધ પ્રશ્ર્નનોને લઈને સફાઈ કર્મચારી આયોગે હંમેશા હકારાત્મક વલણ દાખવ્યું છે. બે વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે સફાઈ કર્મીઓ માટે અનેક સરાહનીય નિર્ણયો લીધા છે. આગામી ૩ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી આયોગને ચાલુ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ દ્વારા આયોગને ૨૫૦૦ જેટલી ફરિયાદો મળી હતી. ત્યારે ૨૦૦૦ જેટલી ફરિયાદોનો આયોગ દ્વારા ત્વરીત નિકાલ કરવામાં આવ્યો છે. બાકી વધેલ ફરિયાદો હાલ પ્રક્રિયામાં છે. આ સાથે આયોગે બે વર્ષ દરમિયાન ૧૫ રાજય સ્તરીય ૨૭૫ જિલ્લા સ્તરીય, ૧૫૫ નગર નિગમ સ્તરીય, ૩૬૫ નગરપાલિકા સ્તરીય બેઠક યોજીને સફાઈ કર્મીઓના હીતઅંગે ચર્ચા વિચારણા કરી જરૂરી નિર્ણયો પણ લીધા છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે, બેવર્ષ દરમિયાન અનેક સફાઈ કામદારોના તેજસ્વી છાત્રોને આયોગની મદદથી શિષ્યવૃતિઓ પણ મળી છે. આ ઉપરાંત જોખમી કામગીરીને બદલે આયોગે સુરક્ષીત ઉપકરણોની વ્યવસ્થા કરાવીને હજ્જારો અને લાખો સફાઈ કામદારોની સુરક્ષામાં વધારો કરાવ્યો છે.
આ સાથે આયોગે પોતાની નવી વેબસાઈટ પણ બનાવી છે અને આ વેબસાઈટ સાથે કનેકટેડ મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. આ એપ મારફતે સફાઈ કર્મચારીઓ પોતાની ફરિયાદો ઓનલાઈન નોંધાવી શકે છે. મોબાઈલ એપ મારફતે નોંધાયેલી ફરિયાદોને ધ્યાને લઈને આયોગ દ્વારા ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવે છે.