વડાપ્રધાનના આત્મ નિર્ભરના સંદેશ પર અદભુત ચિત્ર પ્રદર્શિત, ગીર વેલી આર્ટીસ્ટ વિલેજ, આંકોલવાડી ખાતે પેઇન્ટીંગ કેમ્પનું આયોજન: રપ થી વધુ ચિત્રો પ્રદર્શિત
જયારે કોઇ ચિત્રકારો અનોખી ઘટના આકર્ષક દ્રશ્ય જુએ તો તુરંત પેઇન્ટીંગ મારફતી ઉપસાવી દેતા હોય છે અને આવા ચિત્રોમાંથી કંઇને કંઇ પ્રેરણા કે સંદેશો અવશ્ય મળતો હોય છે. આવી જ રીતે જાણીતા ચાર ચિત્રકારોએ કોરોના લોકડાઉન અસરો, પરિવર્તનોને રપ થી વધુ ચિત્રોમાં ઉપસાવ્યા છે.
આંકોલવાડી ગીરવેલી આર્ટીસ્ટ ખાતે કંઇક આ પ્રકારના ચિત્રો સાથે પાંચ દિવસનો કેમ્પ આયોજીત કરાયો છે.
કોરોનાની મહામારી સાથે લોકડાઉન વિષય પર ગીર વેલી આર્ટીસ્ટ વિલેજ, આંકોલવાડી ગીર દ્વારા પેઇન્ટીંગ પ્રદર્શિત કરતો પાંચ દિવસનો કેમ્પ તા. રપ મે થી ૩૦ મે સુધી ગીર વેલી આર્ટીસ્ટ ખાતે આયોજીત કરાયો છે.
સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સમાજને નવો સંદેશો આપવા તેમજ સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ નિયમોને ઘ્યાને લઇ આ કેમ્પ આયોજીત કરાયો છે.
આ કેમ્પમાં ચાર ચિત્રકારોના રપ થી વધુ પેઇન્ટીંગ પ્રદર્શિત કરાયા છે. જેમાં ઉમેશ કિયાડા, કૈલાસ દેસાઇ (ધર્મજ ગામ), અપૂર્વ દેસાઇ તેમજ શૈલી દેસાઇ (અમદાવાદ)ના અદભુત ચિત્રો કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
ચિત્રકારોએ કોરોના અને લોકડાઉનની અસરો, તેનાથી આવેલા પરિવર્તનો, વડાપ્રધાનના આત્મ નિર્ભરતા સંદેશ પર પેઇન્ટીંગ, પ્રદુષણ ઘટતા કુદરતનો આહલાદક નજારો વગેરે પર ચિત્રકારોએ અદભુત પેઇન્ટીંગ દોર્યા છે. ગીરવેલી આર્ટીસ્ટ વિલેજ ખાતે લોકડાઉન બાદ આ પહેલો કેમ્પ આયોજીત થયો છે. કોરોના સંક્રમણને ઘ્યાને લઇ અને સરકારના નિયમ મુજબ વધુ લોકોને આ કેમ્પ માટે બોલાવાયા નથી.