રેલવે કર્મચારી વ્યાજખોરે માર મારતા રાજકોટથી હિજરત કરી’તી: રૂા.70 હજારનુ માસિક દસ ટકા વ્યાજ વસુલતા
વ્યાજંકવાદ વિરોધ લોક દરબારનું આયોજન કરાતા બરકતીનગર યુવાને વ્યાજખોરના ત્રાસથી રાજકોટ છોડી વડોદરા અને જામનગર હિજરત કરી જતો રહ્યાની મળેલી ફરિયાદના આધારે વલ્લભનરના પિતા-પુત્ર સામે પ્ર.નગર પોલીસે મનીલેન્ડ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા બરકતીનગરમાં રહેતા અને શાપરમાં ગીયર બનાવવાના કારખાનામાં મજુરી કામ કરતા જયંતીભાઇ ગીરીશભાઇ પંચાસરાએ ગઇકાલે પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં આવીને પોતાને વલ્લભનગરમાં રહેતા દિલીપસિંહ ભીમભા ગોહિલ અને તેના પુત્ર નરેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહિલના ત્રાસથી રાજકોટ છોડી વડોદરા અને જામનગર રહેતા જતા રહ્યા અંગેની રાવ કરી હતી.
પ્ર.નગર પી.આઇ. એલ.એલ.ચાવડાએ જયંતીભાઇ પંચાસરાની ફરિયાદ પરથી રેલવે કર્મચારી દિલીપસિંહ ગોહિલ અને તેના પુત્ર નરેન્દ્રસિંહ ગોહિલ સામે મનીલેન્ડ અંગે ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્રણેક વર્ષ પહેલાં દિલીપસિંહ ગોહિલ પાસેથી રૂા.15 હજાર માસિક દસ ટકા વ્યાજે લીધા બાદ કટકે કટકે 70 હજાર જેટલા વ્યાજે લીધા બાદ એક વર્ષ સુધી નિયમીત વ્યાજ ચુકવ્યું હતું ત્યાર બાદ કમ્મર તોડ વ્યાજ ચુકવી ન શકતા રાજકોટ છોડી જામનગર અને વડોદરા જતો રહ્યો હતો.
દરમિયાન રાજકોટ આવતા નરેન્દ્રસિંહ ગોહિલ તેને એસ્ટ્રોન ચોકમાં જોઇ જતા તેને તેના પિતા દિલીપસિંહ ગોહિલને બોલાવ્યા બાદ પિતા-પુત્રએ મારકૂટ કરી બળજબરીથી બાઇક પડાવી લેતા તેને તાત્કાલિક રૂા.12 હજાર વ્યાજ વસુલ કર્યુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
પ્ર.નગર પી.એસ.આઇ. કે.સી.રાણા, એએસઆઇ સંજયભાઇ દવે, હેડ કોન્સ્ટેબલ દેવશીભાઇ ખાંભલા અને જનકભાઇ કુગશીયા સહિતના સ્ટાફે દિલીપસિંહ ગોહિલ અને તેના પુત્ર નરેન્દ્રસિંહની વ્યાજના ગુનામાં ધરપકડ કરી અન્ય કેટલાને વ્યાજે પૈસા આપ્યા તે અંગેની પૂછપરછ હાથધરી છે.