૧૯૩૬માં બ્રિટનના રાજા બનેલા એડવર્ડ આઠમાંએ સિક્કા ચલણમાં આવે તે પહેલા જ છોડી હતી ગાદી
અમેરિકામાં તલાકસુદા માટે પોતાની રાજગાદી છોડી દેનાર એડવર્ડ આઠમાં માટે તૈયાર કરવામાં આવેલો ખાસ સિક્કો તાજેતરમાં એક મીલીયન પાઉન્ડ એટલે કે અંદાજીત રૂા.૧૦ કરોડમાં વેંચાયો હતો. આ સિક્કો રોયલ પરિવારના સભ્યો માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કુલ ૬ સિક્કા જ બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૩૬માં એડવર્ડ રાજા બન્યો હતો. ૧૯૩૭ની તા.૧ જાન્યુઆરીથી તેના સિક્કા બજારમાં સર્ક્યુલેશન માટે મોકલવાના હતા. જો કે, તેણે ૧૯૩૬ના ડિસેમ્બર મહિનામાં જ ગાદી છોડી દીધી હતી. અમેરિકાની તલાકસુદા મહિલા વિલીસ સિમ્પસનને પરણવા માટે તેણે ગાદીનો ત્યાગ કર્યો હતો. આ બનાવથી આખુ બ્રિટન ખળભળી ઉઠયું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ એક સમયે રાણી સિક્કા તેમજ કિંગજોર્જના સિક્કાની બોલબાલા હતી. આવી જ રીતે બ્રિટનના એડવર્ડ આઠમાના સિક્કાની બોલબાલા છે.
અહીં નોંધનીય છે કે, એડવર્ડ આઠમા માટે તૈયાર કરવામાં આવેલા સિક્કામાં ચહેરો ડાબી સાઈડનો બતાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિક્કામાં જમણી સાઈડનો ચહેરો દર્શાવવામાં આવે છે. એડવર્ડ આઠમાએ આ નિર્ણય પરંપરાગત સિક્કાના નિર્માણને તોડવા માટે લીધો હોવાનું માનવામાં આવે છે. આ સિક્કો સોના જેવી ધાતુનો હોવાનું જાણવા મળે છે. જેની મુળ કિંમત ૧ પાઉન્ડની છે. વર્તમાન સમયમાં આ સિક્કો બ્રિટનના ચલણમાં નથી પરંતુ બ્રિટનમાં સત્તાવાર રીતે તેનો સ્વીકાર થઈ શકે છે.
વધુ વિગતો મુજબ આ સિક્કો ૨૨ કેરેટ ગોલ્ડથી તૈયાર કરવામાં આવ્યો છે. વર્તમાન સમયે બ્રિટનમાં જે પાઉન્ડ કોઈન ચલણમાં છે તેનાથી આ સિકકો થોડો નાનો છે. જેનું વજન ૭.૯૮ ગ્રામ થાય છે. જ્યારે વર્તુળ ૨૨ મીલીમીટરનું છે. આ સિક્કો વર્તમાન સમયે ૧ મીલીયન પાઉન્ડ એટલે કે, રૂા.૧૦ કરોડમાં વેંચાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કુલ ૬ સિક્કા પૈકી આ સિક્કો મહત્વનો ગણવામાં આવે છે. જેની પાછળ એડવર્ડ છઠ્ઠાએ તલાકસુદા મહિલાને પરણવા માટે ગાદી ત્યજી હોવાનું કારણ માનવામાં આવે છે.