વાંચેલું, લખેલું, સાંભળેલું કરતા પ્રત્યક્ષ જોયેલું સૌથી વધુ યાદ રહે
સરળતાથી સમજાય અને ભણવાની પ્રક્રિયા ઝડપી બને છે: જોયેલું બાળકોને 70 ટકા યાદ રહી જાય છે: ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા પાઠયક્રમ મુજબ શૈક્ષણિક રમકડાં તૈયાર કરવા જરૂરી
આજની શિક્ષણ પધ્ધતિમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા વિવિધ પ્રયોગો થઇ રહ્યા છે. અસરકારક શિક્ષણ માટે શિક્ષકની સજ્જતા સૌથી વધુ અગત્યની બાબત છે. છાત્રોમાં શાળા તત્પરતા ઉભી કરવા વિવિધ ઇત્તર પ્રવૃતિ સાથે તેને ગમતી રમત, ચિત્ર, સંગીતને અભ્યાસક્રમમાં સામેલ કરવું જરૂરી છે. અસરકાર વર્ગ વ્યવસ્થા માટે શિક્ષણની વિવિધ પધ્ધતિ સાથે ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સ (ઝકખ) સૌથી વધુ અસરકારક સાબિત થયા છે. ઝકખ એ શૈક્ષણિક રમકડાં કે શૈક્ષણિક સાધનો સંદર્ભે વપરાતો ટૂંકો શબ્દ છે. આજના યુગમાં વાંચેલા, લખેલા કે સાંભળેલા કરતા બાળકોને પ્રત્યક્ષ નિદર્શન વધુ યાદ રહી જાય છે. આજ કારણે તેને ફિલ્મ કાર્ટૂન કે જાહેરાતના ગીતો યાદ રહી જાય છે તે આખુ ગાય પણ શકે છે.શૈક્ષણિક રમકડાં પાયાના શિક્ષણથી લગભગ બધા જ ધોરણમાં તેની અગત્યતા સાથે જોડાયેલા છે. જો કે નાના બાળકોમાં સૌથી બેસ્ટ રીઝલ્ટ આપે છે. રમતાં-રમતાં ભણવાનો ક્ધસેપ્ટ જ આ રમકડા કે તેની વ્યક્તિગત કે ગ્રુપ પ્રવૃતિ સાથે જોડાયેલ છે. પ્રાથમિક શિક્ષણના તમામ અભ્યાસક્રમમાં શૈક્ષણિક રમકડાનો ઉપયોગ ખૂબ જ સારા પરિણામો આપે છે.
જ્ઞાન સાથે ગમ્મતનો હેતુ 100 ટકા સિધ્ધ થતાં બાળકોના રસ, રૂચિ અને વલણો જળવાઇ રહે છે. શિક્ષણની સાર્થકતા વધારવા આવા શૈક્ષણિક રમકડાં ખૂબ જ અસરકર્તા રહે છે. આવા રમકડાંના માધ્યમથી બાળકોને 70 ટકા યાદ રહી જાય છે. બાળકની ક્ષમતા સિધ્ધીમાં દરેક પ્રવૃતિમાં ભાગ લેવાથી વધારો થાય છે.શૈક્ષણિક રમકડાં કુલ ચાર પ્રકારનાં હોય છે જેમાં રેડીમેન્ટ, લો કોસ્ટ, સ્વ નિર્મિત કે વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ કરેલા મુખ્ય ગણાય છે. બાળક જાતે તૈયાર કરેલા રમકડાંની વિશેષ જાળવણી કરે છે તેના નિર્માણ વખતે તેની વિવિધ સ્કિલ પણ ડેવલપ થાય છે. પાઠ્યક્રમના છુપાયેલા સિધ્ધાંતને સમજવા આવા શૈ.રમકડાં બહુ જ મદદરૂપ થાય છે. વિદ્યાર્થી આવડતા કે ગમતાં વિષય મુજબ શૈ.સાધનો પસંદ કરે છે. બાલમંદિર કે પ્રાથમિક શિક્ષણના ધો.1 થી 5 કે ઉચ્ચપ્રાથમિકના ધો.6 થી 8 ના પાઠ્યક્રમ મુજબ શૈક્ષણિક રમકડાં તૈયાર કરવા જરૂરી છે. સરકારી શાળાના શિક્ષકો માટે તો ઝકખ વર્કશોપ યોજાય છે.
શિક્ષણએ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં અભ્યાસક્રમને રૂચિપૂર્ણ અને છાત્રોને ગમતું બનાવવા નવી શિક્ષણ નીતિ 2020માં પ્રવૃતિ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આજ કારણે સમજી શકાય કે શૈક્ષણિક પ્રવૃતિ કરવા સાધનની જરૂર પડે જે આ શૈક્ષણિક રમકડાં ગણાય છે. જેને આપણે ટૂંકમાં ઝકખ તરીકે ઓળખીએ છીએ. વર્ગખંડની શૈક્ષણિક પ્રક્રિયામાં આવા રમકડાંનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિના જીવનમાં પ્રાથમિક શિક્ષણનું ખૂબ મહત્વ હોય છે, કારણ કે આ જીવનની પાયાની વસ્તુ ગણાય છે. પાયામાં મળેલું શિક્ષણ ચિરસ્થાયી હોવાથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવા શૈક્ષણિક રમકડાંની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.પ્રાથમિક શિક્ષણમાં શૈક્ષણિક રમકડાં દ્વારા શીખેલા જ્ઞાન અને ગુણાત્મક સિધ્ધાંતો પોતાના જીવન કૌશલ્યો (લાઇફ સ્કીલ) ખીલવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પ્રાથમિક શિક્ષણનો પાયો પાકો કરવા વર્ગખંડમાં શૈક્ષણિક રમકડાંનું વિશેષ મહત્વ છે.
શૈક્ષણિક રમકડાં સ્વનિર્મિત, રેડી મેન્ટ, લોકોસ્ટ અને વેસ્ટમાંથી બેસ્ટ એમ ચાર પ્રકારનાં હોય છે: પાઠ્યક્રમનો છુપાયેલો સિધ્ધાંત શૈક્ષણિક રમકડાંમાં જ છુપાયેલો હોય છે: વિદ્યાર્થી આવડતા કે ગમતાં વિષય મુજબ શૈક્ષણિક સાધન પસંદ કરે છે
આવા રમકડાંના માધ્યમ કરાવેલ અભ્યાસ બાળક સારી રીતે યાદ રાખી શકે છે તેમજ તેની શિખવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે. અભ્યાસક્રમમાં આવતી ઘણી બાબતો બાળક રમતાં-રમતાં જ શીખી લે છે. જેને કારણે તેને ભણતરનો ભાર લાગતો નથી. ગમ્મત સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે.શૈક્ષણિક રમકડાં ઉપરાંત ઓડિયો, વિઝ્યુલ સાધનો પણ ઘણા મદદરૂપ થતાં હોવાથી આજના યુગમાં બાળકો મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ, કોમ્પ્યૂટર, પેન ડ્રાઇવ જેવા વિવિધ ઉપકરણો દ્વારા અને વિવિધ એપ્લીકેશન દ્વારા રસમય શિક્ષણ મેળવી રહ્યો છે. જોયફૂલ લર્નીંગનો હેતું રમકડાં બાળકને સહેલાયથી સમજ પુરી પાડે છે. વર્ગખંડમાં જ બધા જ સાધનો અવેલેબલ હોવાથી છાત્રો ગામે ત્યારે સ્વઅધ્યયન કરવા પ્રેરાય છે.
વર્ગખંડમાં પડેલી વિવિધ વસ્તુઓમાં ટેબલ, બ્લેક-બોર્ડ, બુક, બારી, લાદી જેવાનો ભૂમિતીના આકારો કે ખૂણા શિખવવામાં મદદરૂપ થાય છે. શાળાનું બિલ્ડીંગ જ એક લર્નીંગ એડ છે. પગથીયા ઉપર તમો ચડતો-ઉતરતો ક્રમ દર્શાવીને અઘરાને સહેલું બનાવી શકો છો. વિજ્ઞાનના પ્રયોગો કે સિધ્ધાંતો ભણવાથી સમજાતા નથી પણ આવા રમકડાંના માધ્યમ વડે ઝડપથી આવડી જાય છે. આજના યુગમાં શૈક્ષણિક પ્રક્રિયા દિનપ્રતિદિન ખૂબ જ લાંબી અને અઘરી બનતી જતી હોવાથી આવા અનેક ટી.એલ.એમ. દ્વારા કઠિન મુદ્ાને સરળતાથી સમજાવી શકે છે.
બાળકને રમકડું પ્રિય હોવાથી શૈક્ષણિક પ્રક્રિયામાં તેને જોડવાથી ધાર્યા પરિણામો મળે છે
શિક્ષણની પ્રક્રિયામાં સાંભળેલું 32 ટકા, વાંચેલું 38 ટકા અને લખેલું 54 ટકા યાદ બાળકને રહેતું હોય છે. જો કોઇ પ્રસંગ કે ઘટના બાળકની નજર સમક્ષ બને તો તે બાળક જોઇને 70 ટકા જેટલું યાદ રાખી છે. બાળકને તેના આસપાસના પર્યાવરણ સાથે જોડીને તેના રસ, રૂચીને વલણો ધ્યાને લઇને તરંગ, ઉલ્લાસ સાથે આનંદમય શિક્ષણ અપાય તો તેનો સંર્વાંગી વિકાસ ઝડપી બને છે. બાળકને રમકડું પ્રિય હોવાથી અભ્યાસક્રમની સમજમાં શૈક્ષણિક રમકડાંને શિક્ષણ પ્રક્રિયામાં જોડી દેવાથી ખૂબ જ સારાને ધાર્યા પરિણામો મળે છે. આવા રમકડાં શિક્ષણના ઘણા અઘરા મુદ્ાને સરળ કરી નાંખે છે. આ સર્વ કામગીરીમાં સૌથી અગત્યની ભૂમિકા શિક્ષકની છે જો એ કરશે તો વર્ગખંડની સજ્જતા સારીને જો તે ન કરે તો તેનો વર્ગખંડ નબળો જોવા મળે છે. જુની ઘરેડથી શિખવાતા પાઠોમાં હવે નવીનતા લાવીને વિવિધ ટેકનીકના સથવારે પ્રવર્તમાન યુગમાં ભણાવવામાં આવે તો જ સફળતા મળે પણ આ બધા માટે પહેલા શિક્ષકની સજ્જતા હોવી જરૂરી છે.