ધો. 10 અને ધો. 12ના એ-1 અને એ-2 ગ્રેડવાળા સભાસદોના સંતાન માન્ય : બેંકની દરેક શાખાએથી ફોર્મ વિતરણ શરૂ
ફક્ત બેંકિંગ જ નહિ, સામાજીક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર આપવાનું જાહેર કરાયેલું છે. બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીની સંયુકત યાદી જણાવે છે કે, ‘માર્ચ-2022માં લેવાયેલી ધો. 10, ધો. 12ની પરીક્ષામાં બેંકના સભાસદોનાં સંતાનો કે સભાસદ, જેઓએ એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવશે.
આ યોજનાનો સભાસદ પરિવારજનો મહત્તમ લાભ મેળવે તેવી હાર્દિક અપીલ છે.’ આ માટેનાં નિયત ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મ વિતરણ તા. 10 જુલાઇ 2022ને મંગળવાર સુધી કરવામાં આવશે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. 15 જુલાઇ 2022ને શનિવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર (બીજો – ચોથો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય) સવારના 11 થી 4નો છે. સંપુર્ણ વિગતો સાથે ફોર્મ બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, 150 ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે જ પરત આપવાના રહેશે. ખાસ, શૈક્ષણિક પુરસ્કાર યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનું અથવા માતા કે પિતાનું સભ્યપદ જ માન્ય ગણાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે માયનોર (10 વર્ષથી વધુ 18 વર્ષ સુધીના) બાળકો દ્વારા પોતાની જ સહીથી ખાતુ ઓપરેટ થાય તેવી સુવિધા આપનાર ગુજરાતભરની સર્વપ્રથમ સહકારી બેંક છે.