રાજકોટ જિલ્લામાં 792 નવી સરકારી પ્રાથમિક શાળાઓ ખૂલી : શાળાઓમાં હાલ 2.80 લાખ બાળકો અભ્યાસ કરે છે :  ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 1.78 થયો

રાજકોટ જિલ્લા પંચાયતના સફળ અને પારદર્શક વહીવટના કારણે છેલ્લા 20 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે.792 જેટલી નવી સરકારી પ્રાથમિક શાળાઓ ખુલી છે પરિણામે જિલ્લામાં હાલ 2.80 લાખ બાળકો અભ્યાસ કરી રહયા છે.ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 1.78 થયો છે જે એક સિદ્ધિ ગણાવી શકાય.જિ.પંચા. ના સફળ વહીવટના કારણે શાળાઓમાં વધારો થયો છે તેમ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં શિક્ષણક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. બે દાયકા અગાઉ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા માત્ર 96 હતી, તેની સામે આજે આ સંખ્યા આશરે 888 સુધી પહોંચી ગઈ છે. આમ સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં 792 જેટલો વધારો થયો છે. આજે જિલ્લાની શાળાઓમાં 2,79,431 લાખ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી ડ્રોપ આઉટ રેશિયો ઘર્ટીને 1.78 ટકા જેટલો થઈ ગયો છે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ અંગે કહ્યું કે, છેલ્લા બે દાયકામાં રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ સાથે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ખાસ્સી વધી છે. બે દાયકા અગાઉ રાજકોટ જિલ્લામાં 17 જેટલી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી. જેની સામે આજે જિલ્લામાં આ શાળાઓની સંખ્યા 46 જેટલી છે. જેમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાના જ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને શૈક્ષણિક કારકિર્દીને તેજસ્વી બનાવી રહ્યા છે.

સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા વધારવા અંગે તેમણે કહ્યું કે, જિલ્લાની 888 પ્રા.શાળાઓ માંથી 541 શાળાઓનો સ્કૂલ ઑફ એક્સેલન્સ સમાવેશ કરાયો છે. જેમાં ત્રણ મુદ્દાનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે: બાળકોને મૂળભૂત અક્ષર જ્ઞાન આંકડા જ્ઞાન, શાળાની ભૌતિક સુવિધા સુધારવી-વધારવી તેમજ શાળાના શિક્ષણની ગુણવત્તાનું ગ્રેડિંગ-મૂલ્યાંકન કરવું આ ત્રણ મુદ્દાથી શાળા શિક્ષણની ગુણવત્તા મપાશે.

તેમણે કહ્યું કે, માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રાજકોટ જિલ્લો રાજ્યમાં અવ્વલ છે. હાલમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ હતો. તો ધોરણ 10-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજકોટ જિલ્લો 1 થી 5 ક્રમમાં હતો. તેમણે કહ્યું કે, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાની 368 શાળામાં જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. રાજકોટ જિલ્લાના વિંછિયા અને કુવાડવા વિસ્તારમાં બે વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચ માધ્યમિક શાળા છે. જ્યારે જસદણમાં મોડેલ સ્કૂલ ચાલી રહી છે. ઉપરાંત રાયડી, દલડી, લીલાપુર સહિતના વિસ્તારમાં ઉંચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ આપવાની નેમ સાથે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાલમાં જ ગોડલાધારમાં બે માળની નવી આધુનિક માધ્યમિક શાળાનું ઈ-ખાતમુહુર્ત કર્યું છે. અંદાજે રૂ. 314.03 લાખના ખર્ચે અહીં અદ્યતન શાળા બનાવાશે. સરકારી શાળાઓમાં  હવે પોતાના બાળકોને અભ્યાસ કરાવવાના વાલીઓના વિચારો પોઝીટીવ બન્યા છે ત્યારે હજુ પણ જે વિસ્તારોમાં સરકારી શાળાઓની જરૂરિયાત હશે ત્યાં કાર્યવાહી હાથ ધરાશે તેમ જિલ્લા પંચાયતના કુશળ પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.