૯મી ચિંતન શિબિર-૨૦૧૮ : વડોદરા
પ્રત્યેક અધિકારી પોતાના ગામની કે પોતાના ક્ષેત્રના ગામની એક-એક શાળા દત્તક લે -શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
વડોદરામાં યોજાયેલી ૯મી ચિંતન શિબિરના ત્રીજા દિવસે શિક્ષણની ગુણવત્તા વિષયક ચર્ચા સત્રમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. જેને પરિણામે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટવા સાથે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે.
શ્રી પટેલે એવું સૂચન કર્યું હતું કે, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ધો. ૧ થી ૮ના વર્ગવાર ૨૦ જેટલા વિદ્યાર્થીઓનું સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે પ્રેઝન્ટેશન કરવું જોઇએ. જેથી સમાજના તમામ વર્ગોને રાજય સરકારની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓની નકકર પ્રતિતિ થાય.
રાજય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા સર્વગ્રાહી પગલાં લીધા છે : શ્રી નીતિનભાઇ પટેલ
તેમણે ખાનગી શાળાઓની જેમ સરકારી શાળાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ શિક્ષણ લેતાં થાય તેવું વાતાવરણ સર્જવાનો અનુરોધ કર્યો હતો.શ્રી પટેલે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૯મી ચિંતન શિબિરમાં ભાગ લઇ રહેલા પ્રત્યેક અધિકારીને પોતાના ગામની કે પોતાના ક્ષેત્રના ગામની એક-એક શાળા દત્તક લેવાનું પ્રેરક આહવાન કર્યું છે. શ્રી ચુડાસમા શિક્ષણની ગુણવત્તા સુધારણા વિષયક ચર્ચા સત્રના અધ્યક્ષસ્થાનેથી ચિતંન શિબિરમાં સંબોધન કરી રહ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌએ ગુજરાતના પ્રારંભિક શિક્ષણથી લઇને માધ્યમિક શિક્ષણ સુધારણા માટે સ્વયં ઇનોવેટીવ બનવાની પહેલ કરવી પડશે. આ સંદર્ભમાં તેમણે એવું પણ સુચવ્યું કે, પ્રવેશોત્સવ કે ગુણોત્સવમાં નબળી જણાયેલી શાળાઓ, વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ કોચીંગ યોજીને ઉત્તરોત્તર શિક્ષણ સુધારણાની મૂહિમ ઉપાડવી આવશ્યક છે.
શ્રી ચુડાસમાએ જણાવ્યું કે, શિક્ષણની ગુણવત્તા એ માત્ર ગુજરાત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતા છે, ત્યારે રાજયમાં શિક્ષણને ગુણવત્તાયુકત બનાવવા સરકારની સાથે સમાજે પણ ચિંતા કરી સરકારી શાળાઓમાં શિક્ષણ નબળું અપાય છે એવી માનસિકતા સમાજમાં ઉભી થઇ છે તે દૂર કરવી પડશે.
વિષય નિષ્ણાત અને પૂર્વ મુખ્ય સચિવ શ્રી સુધીર માંકડે જણાવ્યું કે, શિક્ષણ માટે શિક્ષકો અને શિક્ષણની માળખાકીય સગવડોનો વિચાર થયો, પરંતુ શિક્ષણની ગુણવત્તાનો વિચાર જ ન થયો એ જ શૈક્ષણિક સમસ્યાઓનું મૂળ કારણ છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સગવડ અને સક્ષમ શિક્ષકોની વધુ જરૂર છે. તેમણે શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે બારમા ધોરણ પછી ચાર વર્ષનો ઇન્ટ્રીગ્રેટેડ કોર્સ શરૂ કરવા, જીસીઇઆરટી અને ડાયટને વધુ સક્ષમ બનાવવા, પાઠય પુસ્તકો માટે પાઠયપુસ્તક મંડળના ઇજારાનો અંત આણીને, સારા શિક્ષકો પાઠયપુસ્તકો લખી અને પ્રકાશિત કરી શકે અને એકસરખા અભ્યાસક્રમ માટે પાઠયપુસ્તકોમાં વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. તેમણે સક્ષમ શિક્ષકોના ઘડતર માટે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ટીચર્સ જેવી સંસ્થાઓ શરૂ કરવાની હિમાયત કરી હતી.
મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે સમાજમાં સરકારી શાળાઓની આગવી ઓળખ ઉભી કરવા માટે દરેક જિલ્લામાં એક શ્રેષ્ઠ શાળા ઊભી કરવા સૂચન કર્યું હતું.તેમણે શાળાના નબળા વિદ્યાર્થીઓને એક ઝુંબેશ સ્વરૂપે સ્પેશ્યલ કોચીંગ આપવા જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે શિક્ષણની ગુણવત્તા સુધાર માટે ગુણવત્તા ચકાસણી અને માનવ સંપદા માટે અલગ માળખું ઊભું કરવા સૂચન કર્યું હતું.
શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમરે જણાવ્યું કે, રાજયમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવને પરિણામે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. પ્રાથમિક શિક્ષણના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે ગુણોત્સવ કાર્યક્રમ દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધરી છે.
તેમણે જણાવ્યું કે, ગુણોત્સવને પરિણામે એ પ્લસ ગ્રેડની શાળાઓ પાંચ થી વધીને ૨૧૧૪ થઇ છે જયારે ડી ગ્રેડની ૧૪૫૮૨ શાળાઓમાંથી ઘટીને માત્ર ૩૭૨ રહી છે.રાજયમાં ડીજીટલ લર્નીંગ માટે ૬૦૯ સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષે નવી ૮૦૦ શાળાઓમાં ડીજીટલ લર્નીંગ કલાસરૂમ શરૂ કરાશે તેમ શ્રીમતી તોમરે કહ્યું હતું.
રાજયમાં પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનમાં એન.સી.ઇ.આર.ટી.નો અભ્યાસકક્રમ ચાલુ વર્ષથી દાખલ કરવામાં આવ્યો છે તેમ જણાવતાં શ્રીમતી તોમરે ઉમેર્યું હતું કે, નેશનલ એચિવમેન્ટ
સર્વે-૨૦૧૭ અંતર્ગત ધો. ૩, ૫ અને ધો.૮માં ભાષા, ગણિત, ઇ.પી.એસ., વિજ્ઞાન અને સમાજવિદ્યા જેવા વિષયમાં છેલ્લા એક વર્ષમાં રેન્કમાં વધારો થયો છે.શ્રીમતી તોમરે રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુકત બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ સર્વગ્રાહી પગલાંની વિસ્તૃત વિગતો આપી હતી.
પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પી. ભારતીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં આંતરમાળખાકીય અને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજયમાં નેશનલ એચિવમેન્ટ સર્વે મુજબ ધો.૩, ૫ અને ધો.૮માં અભ્યાસ કરતાં બાળકોની રેન્કમાં સુધારો થયો છે.
કમિશનર ઓફ સ્કૂલ શ્રી એ.ડી.દેસાઇએ જણાવ્યું કે, રાજયમાં ધો.૮માં ડ્રોપ આઉટ રેટ ૨૭.૪ ટકાથી ઘટીને ૯ ટકા થયો છે. ધો.૮માં ડ્રોપ આઉટ ઘટાડવા માટે રાજય સરકાર દ્વારા ૧૯ જિલ્લાઓમાં ૧૬ બોયઝ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત બનાસકાંઠા, ભાવનગર અને ગીર-સોમનાથના ૧૬ તાલુકાઓમાં ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં નવી ૧૦૩ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે જેથી બાળકો પોતાના રહેઠાણની નજીક શિક્ષણ મેળવી શકે.શ્રી એ. જે. શાહે રાજયમાં ધો. ૧૦-૧૨ની પરીક્ષા પધ્ધતિમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવશે. રાજયમાં એન.સી.ઇ.આર.ટી.નો અભ્યાસક્રમ દાખલ થતાં હવે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટેની જે.ઇ.ઇ., નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશે.
શિક્ષણની ગુણવત્તા અંગેના આ સત્રમાં શ્રી દિલીપ રાણા, અવંતિકાસિંઘ, આર.સી.મીના, સી.વી.સોમ, રૂપવંતસિંઘ, અમિત અરોરા, અમિતપ્રકાશ યાદવ, મનીષ બંસલ, કે.કે.નિરાલા, ડૉ. ધવલ પટેલ, મિહિર પટેલ, વિજય ખરાડી, ડી.થારા, કિરણ ઝવેરીએ રાજયમાં શિક્ષણને વધુ ગુણવત્તાયુકત બનાવવા માટેના રચનાત્મક સૂચનો કર્યા હતા.