ધો.ર સુધી નો હોમવર્ક…! સ્કૂલ બેગનું વજન ૧.૫ કિ.ગ્રા સુધી સિમિત કરાયું
કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રણાલીમાં ફેરફારો અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક
‘ભાર વિનાનું ભણતર, અને ભણતર વિનાનો ભાર’ દૂર કરવા શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પધ્ધતિમાં મહત્વના ફેરફારો અંગેની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે આજે રાજય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં બેઠક યોજાનાર છે જેમાં કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શીકા અંગેની મહત્વની જાહેરાતો કરવામાં આવી શકે છે. કે કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ ધો.૧ અને ૨ના બાળકોને હોમવર્ક આપવું નહીં.
એનસીઈઆરટીના ધારા-ધોરણ મુજબ ધો-૧ અને ધો-૨ના વિદ્યાર્થીઓ માટે ભાષાના વિષયો અને ગણીત ફરજીયાત રહેશે તો ૩ થી ૫ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને ગણીત ઉપરાંત ભાષાના વિષયો ભણવાના રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈપણ વધારાની પુસ્તકો અથવા એકસ્ટ્રા સ્ટડી મટીરીયલ લાવવા માટે કહેવામાં આવશે નહીં.
ધો-૧ અને ધો-૨માં અભ્યાસ કરતા ભુલકાઓ માટે સ્કુલબેગનું વજન ૧.૫ કિલોગ્રામ અને ૩ થી ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગનું વજન ૨ થી ૩ કિલોગ્રામથી વધુ ન હોય તેની તકેદારી જે તે સંસ્થાઓએ રાખવી પડશે. ધો.૬ અને ૭માં અભ્યાસકર્તા વિદ્યાર્થીઓના દફતરનો વજન ૪ કિલોગ્રામ, ધો-૮ થી ધો-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના બેગનો વજન ૪.૫ કિલોગ્રામ અને ધો-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના બેગનો વજન ૫ કિલોથી વધુ ન હોવા અંગેની માર્ગદર્શીકા શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત વિષયો અને શિક્ષણ પ્રણાલીથી લઈ હોમવર્ક સુધીના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ભણતરનો ભાર ઓછો કરવા સરકારે દફતરોનો ભાર તો ઘટાડયો પરંતુ આ ભાર વિદ્યાર્થીઓને તારશે કે ડુબાડશે તે નકકી નથી, કારણ કે ભારતની શિક્ષણ પ્રણાલી જટીલ હોવાનું માનવામાં આવે છે અને શિક્ષણનો પાયો એટલે કે અભ્યાસક્રમની શરૂઆત ધો-૧ થી થતી હોય છે.
ત્યારે જો પહેલેથી બાળકોને હોમવર્ક આપવામાં નહીં આવે તો બની શકે છે કે,શિક્ષણનો પાયો જ કાચો રહી જાય અને પછી પાકા ઘડે કાંઠા ન ચડે તેવી પરિસ્થિતિ સર્જાય શકે છે. એક તરફ શિક્ષણમાં ફેરફારો કરવાથી વિદ્યાર્થીઓનું ભારણ ઘટી રહ્યું છે તો બીજી તરફ પ્રણાલી ખોરવાતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર તેની અસર થવાની પણ ભીતિ છે.
આજે રાજય સરકાર દ્વારા ભણતરનો ભાર ઓછો કરવા અંગે મુખ્યમંત્રીની આગેવાનીમાં બેઠક થનાર છે. જેમાં બિનજરૂરી હોમવર્ક મામલે પણ જાહેરાત કરવામાં આવશે.