ધો.10 ની પરીક્ષા 9 કેન્દ્રોના 57 બિલ્ડીંગોમાં:ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 6 કેન્દ્રોના 33 સ્થળોએ લેવાશે
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જામનગર અને ધ્રોલ બે પરીક્ષા કેન્દ્રોના 9 પરીક્ષા સ્થળોએ યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી અને એચએસસી પરીક્ષા માર્ચ-2023 આગામી તા.14 માર્ચથી તા.29 માર્ચ સુધી યોજાનાર છે. આ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે તમામ જિલ્લાઓના કલેકટર ઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી તેમજ કમિટીના સભ્યોએ ભાગ લીધો હતો. અને જામનગર જિલ્લામાં પરીક્ષાની તૈયારીઓ અંગે તેના વ્યવસ્થાપન અંગે યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.
વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષાના સંપૂર્ણ આયોજન બાબતે, પરીક્ષાના કાયદા અને વ્યવસ્થાપન, વીજળીની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે સમયસર પહોંચી શકે તે માટે એસ. ટી. વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, પરીક્ષા અંગે કાઉન્સિલિંગ સેન્ટરો ઊભા કરવા બાબતે, ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા જેવી બાબતો વિષે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય આયોજનો કરવા શિક્ષણમંત્રી એ સૂચનો આપ્યા હતા.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ પરીક્ષા સમિતિને સૂચનો આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે બાબતે આયોજન કરવું, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વધારવી, પરીક્ષા કેન્દ્રો પર વીજળી ન જાય તેની તકેદારી રાખવી, તમામ સેન્ટરો અને સ્ટ્રોંગરૂમાં સીસીટીવી કેમેરા, ખંડ નિરીક્ષકો,પોલીસ બંધોબસ્ત ગોઠવવો અને જિલ્લા પરીક્ષા સ્થળોનું નિરીક્ષણ કરી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત આયોજન કરવા લગત અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા.
જામનગર જિલ્લામાંથી અંદાજિત ધો.10 ના 17374 વિદ્યાર્થીઓ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 10663 તેમજ વિજ્ઞાન પ્રવાહના 1814 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધો.10ની પરીક્ષા માટે પરીક્ષાના ઝોન નવાનગર હાઇસ્કૂલ દ્વારા જિલ્લાના 9 કેન્દ્રોના 57 પરીક્ષા સ્થળો (બિલ્ડિંગો) પર પરીક્ષા લેવામાં આવશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા જિલ્લાના 6 કેન્દ્રોના 33 પરીક્ષા સ્થળો અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જિલ્લાના મુખ્યમથક જામનગર અને ધ્રોલ કેન્દ્ર એમ બે કેન્દ્રોના 9 પરીક્ષા સ્થળોએ લેવામાં આવશે. ધો.10ની પરીક્ષા માટે જામનગર જિલ્લામાં કુલ 532 બ્લોક, ધો.12 સામાન્ય પ્રવાહમાં 345 બ્લોક અને વિજ્ઞાન પ્રવાહમાં 91 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. ધો.10 ની પરીક્ષામાં સંવેદનશીલ સિક્કા અને લાલપુર બે કેન્દ્રોના 6 બિલ્ડિંગ જાહેર કરવામાં આવ્યા છે.
આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય, શિક્ષક ઓ, પીજીવીસીલના કાર્યપાલક ઇજનેર, એસટીડેપો ડિવિઝનલ મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.