રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી જીતુભાઈ વાઘાણી તથા અરવિંદભાઈ રૈયાણી
રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ રાજકોટ શહેર તથા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ કરવા સંબંધિત વિભાગોના સરકારી અધિકારીઓને સૂચના આપી હતી.
મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા અંડરપાસ અને ઓવરબ્રિજથી ઉપસ્થિત થનારી ટ્રાફિકની સમસ્યાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સરકારી શાળાઓના મકાનો, ગ્રામ્ય માર્ગો, પાણી વગેરે બાબતોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.
નગરપાલિકા વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકામો બનતી ત્વરાએ આટોપવા મંત્રી વાઘાણીએ તાકીદ કરી હતી. અને વહીવટી પ્રક્રિયાઓમાં બિનજરૂરી સમય ન વેડફવા જણાવ્યું હતું. જિલ્લાભરના નવા તથા મંજૂર થયેલા વિકાસ કામોની યાદી પ્રોપર ચેનલ મારફત મોકલવા મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું અને આ બાબતે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની મંત્રીશ્રી વાઘાણીએ ખાતરી આપી હતી.
નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવા મંત્રીશ્રીઓએ અધિકારીઓને આપેલી સુચના
કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ ખાતે આકાર લઇ રહેલા વિવિધ વિકાસ કામો જેવા કે એઈમ્સ હોસ્પિટલ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પદ્મકુવરબા હોસ્પિટલ, ઈશ્વરીયા પાર્ક, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ચૌધરી હાઇસ્કુલના કેમ્પસમાં બનનારી મુવેબલ હોસ્પિટલ, શાસ્ત્રી મેદાન વગેરેની પ્રગતિના કામોની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રી જીતુભાઈ વાઘાણીને સવિસ્તર માહિતી આપી હતી.
સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાનારા ગુડ ગવર્નન્સ સંબંધિત કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા કલેક્ટર મહેશ બાબુ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી. કોરોના વિરોધી રસીના રસીકરણ તથા સેવા સેતુ કાર્યક્રમ અંગેની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે ના ૨૮ કિલોમીટરનો વિસ્તાર રાજકોટ જિલ્લાની હદમાં સમાવિષ્ટ થાય છે, તેમાં પાંચ નવા ફ્લાયઓવર અને બે અંડરપાસ બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેના રેલવે લાઈનને ડબલ ટ્રેક બનાવવાની કાર્યવાહીની વિગતો પણ આ બેઠકમાં સમાવી લેવાઈ હતી.
ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી લાખાભાઈ સાગઠીયા, મેયર ડૉ. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયરશ્રી દર્ષિતાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી મનસુખભાઈ કર્યા અને શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, રેન્જ ડી.આઈ.જી. શ્રી સંદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે કે પટેલ, એડિશનલ કલેક્ટરશ્રી એન. એફ. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી ચરણસિંહ ગોહિલ, રાજેશ આલ, પારસ વંડા, વીરેન્દ્ર દેસાઈ અને સિદ્ધાર્થ ગઢવી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.