ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ સર્વોદય શાળાના નવા શૈક્ષણિક ભવનનું તકતીનું અનાવરણ કરીને લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે- શિક્ષિત અને કેળવાયેલ સમાજનું ઘડતર કરવાની સૌથી વધુ જવાબદારી શિક્ષણની છે ત્યારે શાળાઓને સરસ્વતી મંદિર બનાવી સાતત્યપૂર્ણ સમાજની દિશામાં આગળ વધીએ તેમણે દેશભાવનાને કેન્દ્રમાં રાખી કામ કરતી સર્વોદય સ્કૂલનાં કાર્યની સરાહના કરી આવા કાર્યોને વેગ આપી આવતી કાલને વધુ ઉજળી બનાવવા શૈક્ષિણીક સંસ્થાઓને અનુરોધ કર્યો હતો.
શિક્ષણમંત્રી ચુડાસમાએ આ શૈક્ષણિક સંકૂલમાં યોજાયેલ જ્ઞાનયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિઓ આપી બાદમાં તકતીનું અનાવરણ કરી આ શાળાના જ્ઞાનદ્વારને ખુલ્લું મુકયું હતું. આ તકે મંત્રીએ શહિદોના માનમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી દેશભાવનાને વધુ ઉજાગર કરવા જણાવ્યું હતું. તથા શહિદનિધિમાં ફંડ રૂપે ગાજીપરા પરિવાર તરફથી અપાયેલ રૂ.૨ લાખ ૫૧ હજારનો ચેક મંત્રીશ્રીએ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણાધિકારી વ્યાસ, જળક્રાંતિ સેવા ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયા, ગીતાબેન ગાજીપરા, રામકુભાઇ ખાચર, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.