જૂનાગઢ ખાતે જિલ્લાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થિઓને તજજ્ઞોએ કારકિર્દી લક્ષી મુંઝવણો દૂર કરી આત્મવિશ્વાસથી સભર કર્યા
જૂનાગઢ ખાતે શિક્ષણ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. જેમા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિવિધ વિભાગના તજજ્ઞોએ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી આત્મવીશ્વાસથી સભર કર્યા હતાં. આ કેમ્પમાં કાર્યક્રમના અધ્યક્ષ, નરસિહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર ડિગ્રી, ટેસ્ટ, પરિણામ પૂરતું મર્યાદિત નથી તેની સાથે આખુ વ્યકતીત્વ જોડાયેલું છે.
હાલમાં કારકિર્દી માટે નવા નવા ક્ષેત્રોમાં નવી નવી તકો ઉભી થઇ છે, ત્યારે આ નવી તકો વિશે વિચારવું જરૂરી છે. તેમજ ભણવાને ભારરૂપ ન સમજતા કામ કરીએ ત્યારે ફક્ત કામ કરીએ, રમીએ ત્યારે રમવા પર ધ્યાન આપવાની શીખ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સ્ટીરીયોટાઇપ માઇન્ડસેટથી આગળ વધીને તેમનામાં જે આવડત રહેલી છે, ક્યા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરી શકે એ દિશા નક્કિ કરવી જરૂર છે. તેવી તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા ટીપ્સ આપતા જણાવ્યું હતું કે, તમે શા માટે અભ્યાસ કરો છો ? તેનો હેતુ શું છે ? તમારી તાકાત શું છે ? તાકાત હશે તો તક મળશે જ અને ધ્યેય લક્ષ્યને પ્રાપ્ત કરવાનાં પ્રયત્નો આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને હળવી શૈલીમા જીવનમાં ચરીતાર્થ થયેલ ઉદાહરણો આપી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડ્યો હતોં.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપધ્યાય એ સરકારના ખેતીવાડી, આરોગ્ય, રોજગાર, શિક્ષણ અને માહિતી વિભાગના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપાયુ હતું. જિલ્લા રોજગાર અધીકારી પ્રજાપતીએ જણાવ્યું હતું ભવિષ્યમાં ક્યા ફિલ્ડમાં કારકિર્દી ઘડવી ? કઇ ફેકલ્ટી, બ્રાન્ચમાં જવું એ પ્રાથમિક-માધ્યમિક માંથી જ નક્કિ કરવું જોઇએ તેમણે કારકિર્દીલક્ષી માર્ગદર્શન તાલીમની જાણકારી માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમજ સરકારના અનુબંધમ પોર્ટલ પરથી વિવિધ જોબની માહિતી મેળવવાં જણાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં નાયબ માહિતી નિયામક અર્જુન પરમાર, રમતગમત અધિકારી હિતેશ દિહોરા સહિતના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.