સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત: આજના સમયમાં શિક્ષણ આપવાનું કાર્ય અઘરૂ છે: જવલંત છાયા
દેશના અને સમાજમાં વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. તેમ સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ હિમાંશુભાઈ શેઠીયાએ જણાવ્યું હતુ. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા સંચાલીત સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સના કાર્યક્રમ અંતગર્ત તેમના દ્વારા દત્તક લીધેલ 91 શાળાઓમાંથી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર એક શાળા તેમજ એક શિક્ષીકા અને એક શિક્ષકને પસંદ કરી સુપ્રસિધ્ધ દાનવીર અને શ્રેષ્ઠી જે.વી. શેઠીયા પરિવાર રાજકોટ તથા અશોક ગોંધિયાની સ્મૃતિમાં યંગ મેન્સ ગાંધીઅન એસો. રાજકોટ પ્રેરિત સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2019-20નો એવોર્ડ વિતરણ સમારંભ તા.25ના રોજ શ્રેષ્ઠી અને સમાજ સેવક હિમાંશુભાઈ શેઠીયાની અધ્યક્ષતામાં તેમજ પત્રકાર લેખક જવલંતભાઈ છાયાના અતિથિવિશેષ પદે વૈશ્ર્વિક મહામારી કોવિડ 19ની કપરી પરિસ્થિતિને ધ્યાનમા રાખી સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત ઈન્સ્ટિટયુટ ઓફ કવોલીટી એજયુકેશન, રાજકોટના પ્રો. જયોત્સનાબેન જોશી ઓડિટોરિયમ ખાતે સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ હિમાંશુભાઈ શેઠીયાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે દેશના અને સમાજના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. સંસ્થાના સંસ્થાપકો ઉષાબહેન જાની તથા ગુલાબભાઈ જાની છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેઓ બંને મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ સિસ્ટર નિવેદિતા કવિ રવીન્દ્રનાથ ટાગોરના વિચારોને ચરિતાર્થ કરી રહ્યા છે.સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રા. શાળા હરિપરનાં સર્વે કર્મચારીગણ તેમજ સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષીકાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર જાગૃતીબહેન ગોહિલ તથા સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સતીષભાઈ તેરૈયાને અભિનંદન પાઠવું છું.
વિદ્યાર્થીઓને ઉદેશીને તેમણે જણાવ્યું કે, આજના યુગમાં જ્ઞાન અને શકિત છે. શિક્ષણ કોઈ પણ ક્ષેત્રમાં જરૂરી છે તો જીવનમાં મળેલી આ અમૂલ્ય તકનો ઉપયોગ કરી શ્રેષ્ઠ નાગરીક બનો અને સમાજના કલ્યાણ માટે યોગદાન આપો. તેમણે સર્વે સન્માનીત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમના અતિથિવિશેષ પત્રકાર અને લેખક જવલંતભાઈ છાયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, કાર્યક્રમની ભવ્યતા કરતા એની દિવ્યતા હંમેશા આપણને આકર્ષતી હોય છે. આવા દિવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આનંદ છે. આજના સમયમાં શિક્ષણ આપવાનું કાર્ય અધરૂ છે. શિક્ષણની પરિભાષા બદલાઈ ગઈ છે. આ સંસ્થાના સંસ્થાપકો ઉષાબહેન જાની અને ગુલાબભાઈ જાનીએ સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સની પ્રવૃત્તિ શરૂ કરી સ્કૂલ હંમેશા ફરતી જ હોવી જોઈએ.આજે સારા માણસોની કટોકટીનો કાળ છે. ત્યારે આવી શ્રેષ્ઠ શાળા અને આવા શ્રેષ્ઠ શિક્ષકો આપણને સધીયારો આપે છે. કે હજુ સાવ નિરાશ થવા જેવું નથી. રાખ દૂર કરીને જયોતને પ્રજજવલીત રાખવાની જરૂર છે. જે કામ આ સિસ્ટમ નિવેદિતા ફાઉન્ડેશન કરી રહ્યું છે.તેમણે વિદ્યાર્થીઓને ઉદેશીને જણાવ્યું કે, શ્રમ વગરનું શિક્ષણ એ શિક્ષણ કઈ રીતે કહી શકાય ? શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહી પરંતુ સુથારીકામ, લુહારીકામ આ બધુ જ શીખવવું જોઈએ.ગૌરવપ્રદ સમારંભમાં શ્રેષ્ઠ શાળા તરીકે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રાથમિક શાળા, હરિપરનાં આચાર્યા, તૃપ્તીબહેન ડાભી, શ્રેષ્ઠ શિક્ષીકાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉત્તર બુનિયાદી ક્ધયા વિદ્યાલય, ભીમોરાનાં આચાર્યા જાગૃતિબહેન ગોહિલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર ડી.કે. મહેતા તાલુકા કુમાર શાળા કોટડાસાંગાણીના શિક્ષક સતીષભાઈ તેરૈયાને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સૂતમાલા, ટ્રોફી, પ્રશસ્તિ પત્ર તથા પુસ્તક સંપુટ અર્પણ કરવામાં આવ્યો શ્રેષ્ઠ શાળાને રૂ.31000નો ચેક, શ્રેષ્ઠ શિક્ષકોને રૂ.21000નો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. એવોર્ડ પ્રદાન કાર્યક્રમ વૈશ્ર્વિક મહામારી કોવિડ 19ને ધ્યાનમાં રાખીને સિસ્ટર નિવેદિતા શૈક્ષણીક સંકુલનાં કર્મચારીગણની ઉપસ્થિતમાં અત્યંત સાદાઈથી સંપન્ન કરવામાં આવ્યો હતો.