શાળા સંકુલોમાં સૌથી ટોચનો સંબંધ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો છે. આ બે વચ્ચે થતી આદાન-પ્રદાનની પ્રક્રિયા એટલે વર્ગ વ્યવહાર પોતાના વર્ગના બાળકોની તમામ પ્રોફાઇલથી વાકેફ અને બાળકની ભૌગોલિક સ્થિતિ પણ શિક્ષક જાણતો હોવો જોઇએ. પોતના વર્ગનું બાળક તેની ક્ષમતા મુજબ કેટલે પહોંચ્યું છે તેનો ડેઇલી, વીકલી, પાક્ષિક રીપોર્ટ માસાંતે એકંદર કરીને તેનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શિક્ષક કરતો હોવો જોઇએ. વિદ્યાર્થીનો ચહેરો વાંચી શકે તેજ સાચો શિક્ષક કહેવાય છે. બાળકોના રસ-રૂચીને વલણો આધારિત વર્ગ કાર્ય, પ્રવૃત્તિ પ્રોજેક્ટ કરાવતો ટીચર જ તેમનાં વર્ગનાં બાળકોનો સંર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ થઇ શકે છે.
આજકાલ દરેક ર્માં-બાપને શિક્ષણ ખૂબ જ મોંઘુ લાગે છે : વિદ્યાર્થીનો ચહેરો વાંચી શકે તેવા શિક્ષકો હોય તો જ તે, છાત્રોને કેળવીને સાચી કેળવણી આપી શકે: શિક્ષણ દ્વારા બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું અતી જરૂરી: ભણતર સાથે ગણતર હોવું જરૂરી
જ્ઞાન, કર્મ અને ભક્તિ શિક્ષક અને છાત્ર વચ્ચેના સંબંધોના મૂળમાં હોય છે : શિક્ષક વિદ્યાર્થીનું આદર્શ નાગરિક ઘડતરનું કાર્ય કરતો હોવાથી તેને ઘડવૈયો કહેવાય છે
માતાને પોતાનાં તાજા જન્મેલા બાળકનું મુખ જ્યારે પહેલીવાર બતાવે છે , ત્યારે માના હૃદયના ભાવ કોણ વાંચી શકે છે. વાત્સલ્ય, સમર્પણ, કૃતજ્ઞતા, પ્રેમ, હૂંફ, લાગણી આવા જ ભાવ શિક્ષક જ્યારે તેના નવા વર્ગમાં આવેલ બાળકોને જુએ ત્યારે થાય કે નહીં એ એક પ્રશ્ર્ન છે, જેનો જવાબ અસર થયેલ બાળક જ આપી શકે છે. ઘણા શ્રેષ્ઠ શિક્ષકોએ બાળકોની જીંદગી ટોચે પહોંચાડીને શ્રેષ્ઠત્તમ પ્રગતિ કરાવી છે. જ્યારે મા-બાપ બિમાર બાળકને ડોક્ટર પાસે લઇ જાય છે ત્યારે તે ડોક્ટર પર વિશ્ર્વાસ મુકે છે કે તે મારા દિકરાને જલ્દી સાજો કરી દેશે , તેમ શાળાએ પ્રથમવાર પોતાના સંતાનોને શિક્ષક પાસે વર્ગમાં મૂકે છે , ત્યારે પણ તેનું બાળક હોંશિયાર આ શિક્ષક જ બનાવશે તેવો ભરોસો, વિશ્ર્વાસ વાલીને હોય છે. વાલી પોતાના સંતાનના મન, ચારિત્ર્ય અને વ્યક્તિ ઘડતર માટે શિક્ષકને સોંપે છે.
આજનું શિક્ષણ વ્યવસાયી બની ગયું છે, એટલે તેમાં માહિતી છે, ભણતર છે. પણ ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે. ગાંધીજીએ શિક્ષણ માટે ‘કેળવણી’ શબ્દ પ્રયોગ કર્યો હતો, એમણે કહ્યું કે ’વિદ્યાર્થીને કેળવે તે જ કેળવણી કહેવાય’ . જો કે આ ભાવના ઉદ્દેશ આજે લુપ્ત ગઇ ગતો છે. આજના શિક્ષકો બાળકોને ભણાવે છે, હકિકતમાં તો બાળકને ભણતો કરવાનો છે. વિદ્યાર્થીના જીવનમાં સ્વઅધ્યયનનું ખૂબ જ મહત્વ છે. પુનરાવર્તન, દ્રઢિકરણ, વાર્ષિક આયોજન પ્રવૃત્તિ જેવી વિવિધ પ્રવૃત્તિ ,તકેદારીથી વિદ્યાર્થી જીવનનાં દિવસોને શિક્ષક જ્ઞાનરૂપી સોનેરી ચમકતા બનાવી શકે છે.
અસરકારક વર્ગ વ્યવહારથી જ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ-એખલાસના અંકુર ફૂટે છે, શિક્ષક મૂર્તિ નહીં મૂર્તિકાર છે
વર્ગના પ્રત્યેક બાળકના હૃદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે, તે કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે
જ્ઞાન, કર્મ અને ભક્તિ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોના મૂળમાં છે. જ્ઞાન અને કર્મ તો બજાર કે ટ્યુશન ક્લાસમાં મળી જશે. ભક્તિ નહી, અને આજ ભક્તિ વિદ્યાર્થીઓના ઘડતરનો રાજમાર્ગ છે. શિક્ષક વિદ્યાર્થીને આદર્શ નાગરિક ઘડતરનું કામ કરતો હોવાથી તેને ઘડવૈયો કહેવાય છે. વિદ્યાર્થીને સમજે-ચાહે નજીક બોલાવીને મુશ્કેલી જાણીને વિશ્ર્વાસ સંપાદન કરીને મુશ્કેલી દૂર કરે છે. આવા વાતાવરણમાં જ શિક્ષક દ્વારા અપાતા સંસ્કારોને જીલવા છાત્ર હંમેશા તૈયાર રહે છે. અસરકારક વર્ગ વ્યવહારથી જ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ-એખલાસના અંકુર ફૂટે છે.
એક વાત એ પણ છે કે બાળક શાળામાં માત્ર 6 કલાક જ રહે છે બાકીના 18 કલાક ઘરનાં વાતાવરણમાં રહે છે , તેથી શિક્ષકના કાર્યોની અસર જો ઘરના વાતાવરણ કે વિસ્તારનું પર્યાવરણ સારૂં ન હોય તો ધાર્યા પરિણામ આપતું નથી. આમ છતાં સતત 6 કલાક વિદ્યાર્થી શિક્ષક સાથે રહેતો હોવાથી જીવન ઘડતરના વિવિધ પાઠો સાથે ઘણું બધુ જીવન ભાથું મેળવે છે.
શિક્ષક બાળકમાં રહેલી વિવિધ છૂપી કલાને શોધીને તેને પ્રોત્સાહિત કરીને તેનો વિકાસ કરનાર હોવો જોઇએ. ઘણા બાળકો તો ભણવામાં નબળા હોય પણ સંગીત, ચિત્ર, રમતગમત, લીડરશીપ જેવા ગુણોમાં નિપુણ હોય ત્યારે , તેને કેમ આગળ લાવવો તે કામ અસરકારક કાર્ય કરનાર શિક્ષક જ કરી શકે છે, તેથી શિક્ષક સંપૂર્ણ સજ્જતાવાળો હોવો જોઇએ અને ગુણવત્તાસભર શિક્ષણ આપતો હોવો જોઇએ. તેના અને છાત્રો વચ્ચેના સંબંધ સેતુના દરેક મહત્વના પાસાથી વાકેફ હોવાની સાથે સંપૂર્ણ સજાગ હોવો જોઇએ.
વર્ગખંડમાં શિક્ષક બે પ્રકારના સંબંધોમાં એક તો તેનો સમગ્ર વર્ગના છાત્રો સાથેનો સંબંધ બીજો દરેક વિદ્યાર્થી સાથેનો વ્યક્તિગત સંબંધ. શિક્ષણ વર્ગમાં વ્યક્તિગત દેખરેખ બહુ મહત્વ ધરાવે છે. વિદ્યાર્થીની ખામી-ખૂબી શિક્ષક ખૂબ જ સારી રીતે જાણતો હોય છે. દરેકની આવડત મુજબનું કામ-વહેંચણી શિક્ષકએ આધારે જ કરતો હોય છે. ધો.1 થી 8નાં પ્રાથમિક શિક્ષણના વર્ષો વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વના છે તે જીવનભર ભૂલી નથી શકતો, તેથી શાળાનાં વિદાય કે શિક્ષકની બદલીના વિદાય કાર્યક્રમમાં રડી પડે છે. શિક્ષક-વિદ્યાર્થીના સંબંધ તોલે અન્ય કોઇ ન આવી શકે કારણ કે ધો.1માં સાવ કોરી પાટી જેવું બાળક 8 વર્ષ ભણીને હોશિંયાર થઇને હાઇસ્કૂલમાં જવા શાળા છોડે ત્યારે શિક્ષક માટે ખુશીનો દિવસ હોય છે.
વિદ્યાર્થીમાં નાનામાં નાની ખૂબીઓ શોધી શકે તે શ્રેષ્ઠ શિક્ષક કહેવાય. છાત્રોનું ચારિત્ર્ય ઘડતર માટે શિક્ષક ચારિત્ર્યવાન હોવો જરૂરી છે. આ બંને વચ્ચે સંબંધોનું આકાશ છે. બંનેના સંબંધોમાં પરસ્પર વિશ્ર્વાસ ખૂબ જ જરૂરી છે. બાળક પોતાની વ્યથા શિક્ષકને કહેતો થાય એ પણ મોટી ઉપલબ્ધી છે. આ બંને વચ્ચેના સંબંધોની ઘણી સારી ફિલ્મો પણ આવી જેમાં ચક દે ઇન્ડિયા, 3 ઇડિયટ્સ, દો દુની ચાર, ચોક અને ડસ્ટર, હિચકી જેવીનો સમાવેશ થાય છે.
શિક્ષક-વિદ્યાર્થીના અજોડ સંબંધોના વિવિધ પાસાઓ છે. વિદ્યાર્થી તો ખેડેલા ખેતર જેવા છે. તેમાં શિક્ષક જે વાવશે તે ઉગી નીકળશે. આ કારણે જ શિક્ષકની વિશેષ જવાબદારી છે. આમ જોઇએ તો પણ મનુષ્યના ઉત્કર્ષનો પાયો શિક્ષણ છે અને આથી જ સૌનુ ધ્યાન પહેલા શિક્ષક ઉપર જાય છે. શિક્ષણ એ બહુ પરિણામી પ્રક્રિયા છે. આમા શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોનું વિશેષ મહત્વ છે. ચારે દિશાએ અનેક પ્રકારે નિત-નવા પ્રવાહોથી શિક્ષકે વાકેફ થવું જ પડે છે. આજે તો શિક્ષણ અનેક પ્રકારે મળે છે. તેથી શિક્ષક જાગૃત રહેવું પડે છે, વિકસતું રહેવું પડે છે. આ ઉપરાંત તેનો અને બાળકો વચ્ચે સુમેળભર્યો વ્યવહાર પણ હોવો જરૂરી છે.
મનુભાઇ પંચોલીના શબ્દોમાં કહીએ તો ’સાચો શિક્ષક જગત જીવનનું દર્શન વિદ્યાર્થીને વર્ગખંડમાં કરાવે છે’. આ વર્ગખંડ એટલે ફક્ત ચાર દિવાલોની વચ્ચે આવેલી જગ્યા નહીં, પરંતુ ચાર દિવાલોની બહાર વિસ્તરેલું જ્ઞાન, અફાટ સાગર. આજે આપણે ગમે તે ગુગલમાં જોઇ લઇએ એને જ્ઞાન ન કહેવાય, આ વાત પણ શિક્ષકે અને છાત્રે સમજવી જ પડશે. શિક્ષકે આપેલી સાચી કેળવણી, સાચા શિક્ષણનો પડઘો વિદ્યાર્થીએ સાચા અને જવાબદાર ન આપ્યો હોય તેવું કદી બની જ ના શકે.
આજનું શિક્ષણ વ્યવસાયી બની ગયું છે તેવી વાતો, ચર્ચા, ચિંતન અને ચિંતા સૌ કોઇ કરી રહ્યું છે. મોંઘીદાટ ફિ થી સૌ કોઇ ત્રસ્ત છે તો, ભણીને પણ નોકરી માટે પણ લોકો હેરાન થઇ રહ્યા છે. વિદેશોમાં ભણવા જવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે આપણાં દેશની શિક્ષણ વ્યવસ્થામાં જેને શિક્ષણ સાથે કાંઇ સંબંધ નથી તેવા બિઝનેશરૂપે શાળા-કોલેજ ચલાવી રહ્યા છે. પહેલા કદાચ આવુ ન હતું , સરકારી શાળા જ સર્વોપરી હતી ને શિક્ષકો પણ બાળકોનો ચહેરો વાંચી લેતા હોવાથી છાત્રોને સાચી કેળવણી મળતી હતી. શિક્ષક પણ આજે વ્યવસાયી ધોરણે ચાલતો હોવાથી જ્ઞાન-કર્મ અને ભક્તિ જેવું વિસરાય ગયું છે. શિક્ષક વિદ્યાર્થીનું આદર્શ નાગરિક ઘડતરનું કાર્ય કરતો હોવાથી તેને ‘ઘડવૈયો’ કહેવાય છે. ઇફેક્ટીવ ક્લાસરૂમ ક્લાયમેન્ટથી જ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ-એખલાસના અંકુર ફૂટે છે.
ભરપૂર ગુણોથી સજાવેલું ગુણપત્રક!!
આજની શિક્ષણ દુનિયામાં સફળતા એટલે ભરપૂર ગુણોથી સજાવેલું ગુણપત્રક એમ સૌ કોઇ માને છે. આજના મા-બાપો, શિક્ષકો વિગેરે બધા જ આને શ્રેષ્ઠ વિકાસની સફળતા ગણે છે. હકિકતમાં આ એક આંકડાની માયાઝાળ છે. ભણતર સાથેના ગણતરમાં ભલે 100માંથી 100 ગુણ ન આવે પણ , જીવન ઘડતરનું શિક્ષણ તો 100 ટકા મેળવે જ છે. આ વાત સમાજે પણ સમજવાની જરૂર છે.
શિક્ષક સજ્જતા ખુબજ જરૂરી
- શિક્ષક જીવનભર અભ્યાસી હોવો જોઇએ.
- હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું. જેમાં વિદ્યાર્થી જાતે શીખે છે.
- શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરૂણાવાન હોવો જોઇએ.
- સાચો શિક્ષક વાણી-વર્તન અને વિચારથી શુધ્ધ હોવો જોઇએ.
- શિક્ષકનો દરેક શબ્દ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા મંત્ર બનવો જોઇએ.