શહેરની મધ્યે આવેલા શાળા નં.૬માં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પુરતુ શિક્ષણ ન અપાતું હોવાની રાવ : શાળા નં.૬માં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા ચિંતાજનક
હળવદના વોર્ડ નં.૧માં આવેલ પ્રાથમિક શાળા નં.૬માં ભણતા વિદ્યાર્થીઓની દર વર્ષે સંખ્યામાં ઘટાડો થતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે શહેરના કુંભારપરા વિસ્તારમાં આવેલ શાળા નં.૬માં અપૂરતો અભ્યાસ તેમજ રમત-ગમત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઈત્તરપ્રવૃતિ નહીવત હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો હોવાની રજુઆત વાલીગણ દ્વારા કરવામાં આવી છે.
દિવસેને દિવસે શિક્ષણનું મહત્વ વધી રહ્યું છે ત્યારે રાજય સરકાર દ્વારા પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળા નં.૬માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાની લેખિત રજુઆત વાલીગણ દ્વારા કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, પ્રાથમિક શાળા નં.૬માં વિદ્યાર્થીઓના અભ્યાસ પર પુરતો ધ્યાન આપવામાં આવતો નથી ઉપરાંત રમત – ગમત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી કે ઈત્તરપ્રવૃતિ પણ વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી નથી તેમજ વિદ્યાર્થીઓની વ્યવસ્થામાં પણ શિક્ષકો બેજવાબદાર રહેતા હોય છે તેવી રજુઆત ૪૦થી વધુ વાલીગણ દ્વારા કરવામાં આવી છે ત્યારે શહેરની પ્રાથમિક શાળા નં.૬માં શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠવા પામી છે.
શાળાની મુલાકાત લઈ તપાસ કરાશે : તાલુકા શિક્ષણ અધિકારી
આ અંગે હળવદ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વોરાને પુછતા તેઓએ જણાવેલ કે, વાલીગણની ફરિયાદને ધ્યાને લઈ શહેરની શાળા નં.૬ની મુલાકાત લેવામાં આવશે અને આ બાબતની યોગ્ય તપાસ કરવામાં આવશે અને જા કયાંક ક્ષતિ જણાશે તો ચોક્કસ પગલા ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.