રાજ્યમાં દિવાળી બાદ મોટાભાગની શાળાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ હરણીબોટ કાંડ બાદ રાજ્યમાં શાળાઓના પ્રવાસ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને શાળાઓ દ્વારા સુરક્ષા સાથે પ્રવાસ યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે અને આગામી 3 દિવસમાં તે જાહેર કરવામાં આવશે. સ્થાનિક પ્રવાસ કરાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શાળાના પ્રવાસ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં નવા નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ પ્રવાસ માટે શાળાઓએ શિક્ષણ અધિકારી, RTO કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
ત્યારે થોડા મહિના અગાઉ વડોદરામાં થયેલ હરણીકાંડને લઇ પ્રવાસ બાબતે સરકાર દ્વારા ગંભીર નિર્ણય લેવામાં આવ્યા છે. તેમજ હરણીકાંડ બાદ પ્રવાસ પર રોક મુકવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવવામાં આવ્યા છે. ત્યારે અન્ય કોઇ ઘટના ન ઘટે તેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા સરકારને ગાઇડલાઇન સોંપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે સૌ પ્રથમ પ્રવાસ માટે શાળાઓએ શિક્ષણ અધિકારીને જાણ કરવી પડશે. ત્યારબાદ ફરજિયાત રીતે 15 દિવસ પહેલા RTO કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
ઉચ્ચકક્ષાએ જાણ કરવાની રહેશે
જો રાજ્યની અંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. પરંતુ રાજ્ય બહારના પ્રવાસ માટે નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીમાં જાણ કરવાની રહેશે. જેના થકી તમામ આયોજન વ્યવસ્થિત રીતે થાય અને ભવિષ્યમાં થનાર કોઇ અણબનાવને અટકાવી શકાય.
અમુક શાળાઓ દ્વારા વિદેશ પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વિદેશ પ્રવાસ માટે શિક્ષણ વિભાગને 15 દિવસ પહેલાં શાળાએ જાણ કરવાની રહેશે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે વડોદરા હરણીકાંડ બાદ પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇનના આધારે અને નવા નિયમોના પાલન સાથે શાળાઓ હવેથી પ્રવાસનું આયોજન કરી શકશે.