સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ 1પ સભ્યોના રાજીનામા લઇ લેવાયાના એક માસ બાદ ચૂંટણી અધિકારી મેયર ડો. પ્રદિપ ડવે ચૂંટણીની તારીખ જાહેર કરી: આજથી જ ફોર્મ વિતરણ
1 જુને ફોર્મ ભરી શકાશે, ઉમેદવારી પત્રોની 9 જુને ચકાસણી: બેઠકો જેટલા જ ફોર્મ આવશે તો મતદાન નહી કરાય, તમામને બિનહરીફ જાહેર થશે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1ર સભ્યોની નિયુકિત કરવા માટે ચુંટણી અધિકારી મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. આજથી ફોર્મ વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે. આગામી 19મી જુનના રોજ મતદાન યોજાશે મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા બાદ તુરંત જ મત ગણતરીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.
કોર્પોરેશનમાં ગત 1ર માર્ચ 2021 ના રોજ નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ 30મી મેના રોજ શિક્ષણ સમિતિની વિધિવત રચના કરવામાં આવી હતી. ચૂઁટાયેલા 1ર સભ્યો અને સરકાર નિયુકત 3 સભ્યો સહિત કુલ 1પ સભ્યો દ્વારા અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે ચેરમેન તરીકે અતુલભાઇ પંડિતની નિયુકિત કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાના છાત્રો માટે ખરીદાતા ગણવેશમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયા હતા. આ ઉપરાંત સભ્યો વચ્ચે અંદરો અંદર ભયંકર જુથવાદ હતો આ અંગે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા અવાર નવાર સુચના આપવામાં આવી હોવા છતાં ભ્રષ્ટાચાર અને જુથવાદ ન અટકતા ગત મહિને પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન અતુલ પંડિત ઉપરાંત તમામ 1પ સભ્યોના સામુહિક રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા અને આખી શિક્ષણ સમિતિને ઘર ભેગી કરી દેવામાં આવી હતી. સામુહિક રાજીનામાની ઘટનાથી રાજયભરમાં રાજકોટની આબરુનું જબ્બરૂ ઘોવાણ થયું હતું.
દરમિયાન શિક્ષણ સમિતિની ચુંટણીના અધિકારી મેયર ડો. પ્રદિપ ડવે ચુંટણી માટેનું જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ છે. શિક્ષણ સમિતિના 1ર સભ્યોની નિયુકિત કરવા માટે આગામી 19મી જુનના રોજ મતદાન યોજાશે. આ ચુંટણીમાં મતદાન કરવાનો અધિકાર માત્ર કોર્પોરેટરોજ ધરાવે છે. દરમિયાન આજથી ઉમેદવારી ફોર્મ વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે. ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો આગામી 1 જુનના રોજ સવારે 11 થી બપોરે ર વાગ્યા સુધીમાં મેયર ડો. પ્રદિપ ડવ સમક્ષ પોતાનું ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરનાર વ્યકિતએ ઉમેદવારના નામની દરખાસ્ત માટે અને દરખાસ્તને ટેકો આપવા માટે એમ બે કોર્પોરેટરોએ પોતાની સાથે રાખવા પડશે. ફોર્મ આવ્યા બાદ 9 જુનના રોજ ચુંટણી અધિકારી એવા મેયર દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 19 જુનના રોજ સવારે 11 થી ર કલાક સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં માત્ર શહેરના 18 વોર્ડના ચુઁટાયેલા કોર્પોરેટરો જ મતદાન કરી શકશે રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ અને 7ર કોર્પોરેટરો છે પરંતુ વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ ગેરલાયક ઠર્યા હોય હાલ 68 કોર્પોરેટરો જ કાર્યરત છે.
કોંગ્રેસ પાસે માત્ર બે કોર્પોરેટરો હોય શિક્ષણ સમિતિના તમામ 1ર સભ્યો ભાજપના ચુંટાઇ આવશે તે નિશ્ર્ચીત મનાઇ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ એક કલાકના વિરામ બાદ મતગણતરીની કાર્યવાહી હાથ ધર લેવામાં આવશે અને 19 જુને પરિણામ જાહેર કરી દેવામાં આવશે. શિક્ષણ સમિતિના કુલ 1પ સભ્યો હોય છે જેમાં 1ર સભ્યોની ચુંટણી યોજવામાં આવે છે જે પૈકી એક બેઠક એસ.સી. એસ.ટી. કેટેગરી માટે અનામત છે. જયારે 3 બેઠકો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યકિત માટે અનામત રાખવામાં આવી છે અને આઠ બેઠક સામાન્ય છે. 3 સભ્યોની નિયુકિત સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ત્રણ પૈકી એક સભ્ય પાંચ વર્ષ કે તેથી વધુ સમય કલાસ-વન અધિકારી રહેલા હોવા જોઇએ.
12 સભ્યોની ચુંટણી યોજાયા બાદ તેનું પરિણામ જાહેર થયા બાદ ત્રણ સરકારી સભ્યોની નિયુકિત કરવામાં આવશે. ત્યારબદ 1પ સભ્યો દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુકત કરવામાં આવે છે શિક્ષણ સમિતિના સભ્યોની નિયુકિત માટે ભાજપ દ્વારા તાજેતરમાં નામો મંગાવવામાં આવ્યા હતા. તાજેતરમાં નામો મંગાવવામા આવ્યા હતા. જેમાં શહેર ભાજપના 4ર કાર્યકરોએ સમિતિના સભ્ય બનવા માટેની રૂચી વ્યકત કરી છે. તમામ નામો હાલ પ્રદેશ હાઇ કમાન્ડને મોકલી દેવામાં આવ્યા છે. શહેરમાં વિધાનસભાની ચાર બેઠકો હોય સમિતિના 1ર સભ્યોમાં વિધાનસભા વાઇઝ ત્રણ-ત્રણ સભ્યોની નિયમુંક કરવામાં આવે તેવી સંભાવના જણાય રહીછે.
શિક્ષણ સમિતિના 1ર સભ્યોની ચુંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. દરમિયાન 1 જુને બપોરે ર વાગ્યા સુધીમાં માત્ર 1ર ઉમેદવારોના ફોર્મ આવશે અથવા વધારે ફોર્મ આવશે અને ચકાસણી દરમિયાન અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે માત્ર 1ર ફોર્મ જ હશે તો તમામને બિન હરીફ જાહેર કરવામાં આવશે.