મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું: 12મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: 20મી એપ્રિલે ફોર્મ ચકાસણી સાથે ચિત્ર સ્પષ્ટ થશે
શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે નીતિન ભુત, કિશોર રાઠોડ, જીતુ કોઠારી અને અશ્ર્વિન મોલીયાના નામો ચર્ચામાં
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની નિમણૂંક કરવા માટે આજે મેયર ડો.પ્રદિપભાઈ ડવ દ્વારા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. તમામ 12 સભ્યો ભાજપના જ ચૂંટાશે તે વાત ફાઈનલ છે. ચેરમેન પદ માટે નીતિનભાઈ ભુત, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને જીતુભાઈ કોઠારી ઉપરાંત પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાના નામો ચર્ચામાં છે.
આજે બપોરે મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પત્રકારોને વિગત આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની નિમણૂંક કરવા આજે વિધિવત રીતે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. જાહેરનામુ પ્રસિધ્ધ કર્યાના ચાર અઠવાડિયાથી વધુ એટલે કે 34 દિવસના સમયગાળાનુસાર નિયમોનુસાર ઉમેદવારી ફોર્મ ભરી શકાય છે. આગામી 12મી એપ્રીલના રોજ સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ 17 દિવસના સમયગાળા પછી એટલે કે 20મી એપ્રીલના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને જરૂરીયાત ઉભી થશે તો 30મી એપ્રીલના રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે અને સાંજે 3 કલાકથી મત ગણતરી હાથ ધરાશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માટે ઓછામાં ઓછા 6 મતોની આવશ્યકતા રહે છે.
આવામાં કોંગ્રેસ પાસે હાલ માત્ર 4 નગરસેવકો જ હોવાના કારણે શિક્ષણ સમિતિ આ વખતે સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત રહેશે. જો કોંગ્રેસ ઉમેદવારી નહીં નોંધાવે તો ફોર્મ ભરવાના દિવસે જ ભાજપના તમામ 12 સભ્યોને બિનહરીફ જાહેર કરાશે. 12 સભ્યોની નિયુક્તિ કરવા માટે ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા 3 સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે હાલ ચાર નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડ, નીતિનભાઈ ભુત અને પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાનું નામ ચર્ચામાં છે.
જો સંગઠનમાં કોઈ ફેરફાર કરવા નહીં આવે તો શિક્ષણ સમિતિનું ચેરમેન પદ નીતિનભાઈ ભુત કે અશ્ર્વિનભાઈ મોલીયાને આપવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.
શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જો સ્નાતકને જ લેવાની માર્ગદર્શિતા જાહેર કરવામાં આવશે તો કેટલાક સંભવિતો ચેરમેન પદની રેસમાંથી નીકળી જશે.