- ‘પૂરક પરીક્ષામાં દરેક કેન્દ્રો પર સીસીટીવીનું લાઈવ વ્યુઈંગ કરવા માટે સુપરવાઈઝર મૂકવામાં આવશે
- ધો.12 સાયન્સના 8030 જેટલા પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માટે પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી 2.38 લાખ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. પૂરક પરીક્ષા માટે ધો-10ના 41 કેન્દ્રો પર 383 સ્કૂલો અને ધો-12ના 34 કેન્દ્રો પર 270 સ્કૂલો નક્કી કરવામાં આવી છે. 24 જૂનથી શરૂ થનારી પૂરક પરીક્ષા 4 જુલાઈના રોજ પૂર્ણ થશે. પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે પરીક્ષાને લઈને એક્શન પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો છે. પૂરક પરીક્ષામાં દરેક કેન્દ્રો પર સીસીટીવીનું લાઈવ વ્યુઈંગ કરવા માટે સુપરવાઈઝર મૂકવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા વખતે લાઈવ વ્યુઈંગનું સ્થળ સંચાલક તથા સરકારી પ્રતિનિધિએ પણ નિરીક્ષણ કરવાનું રહેશે.શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ધો-10, ધો-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. આ પૂરક પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 238030 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ધો-10ની પરીક્ષા માટે 34 ઝોનની રચના કરવામાં આવી છે. જ્યારે ધો-12ની પરીક્ષા માટે પણ 34 ઝોન રચાયા છે. ધો-10 માટે કુલ 41 કેન્દ્રો અને ધો-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે 34 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે. ધો-10ની પરીક્ષામાં 137025 વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 41 જેટલા સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ સેન્ટર પર 383 સ્કૂલોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે અને આ સ્કૂલોના 3704 વર્ગખંડોમાં ધો-10ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધો-12 સાયન્સમાં 34 સેન્ટરમાં 34920 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ માટે 170 સ્કૂલોના 1720 વર્ગખંડોનો પરીક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય પ્રવાહમાં 66085 વિદ્યાર્થીઓ માટે 100 જેટલી સ્કૂલોના 875 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આમ, ધો-10માં 383 સ્કૂલ અને ધો-12માં 270 સ્કૂલો મળી કુલ 653 જેટલી સ્કૂલોમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. ધો-12 સાયન્સમાં આ વખતે પાસ થયેલા વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તો તેઓ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો છે. જેમાં પૂરક પરીક્ષા આપ્યા બાદ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી જેમાં વધુ ગુણ હશે તે ગુણ માન્ય રાખવામાં આવશે. જેથી 24 જૂનથી લેવાનારી પૂરક પરીક્ષામાં રાજ્યના ધો-12 સાયન્સના 8030 જેટલા પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માટે પરીક્ષા આપશે. આમ, આ વિદ્યાર્થીઓના બેસ્ટ ઓફ ટુ ગુણ ધ્યાને લઈને પરિણામાં ફેરફાર કરવામાં આવશે.
પૂરક પરીક્ષાને લઇ આજથી હેલ્પડેસ્ક શરૂ
બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 24 જૂનથી શરૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.21 જૂનથી 04 જુલાઈ દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાઇકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવાયું છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં. 1800 233 5500 છે. હેલ્પલાઇનનો સમય સવારે 11થી સાંજે 5 સુધીનો છે.