શિક્ષણ બોર્ડના સભ્યોએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કર્યા બાદ તપાસનો નિર્ણય
રાજયમાં ચાલતી ડમી શાળાઓ સામે તપાસ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ આપ્યો છે. ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 1ર સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ બોર્ડના સભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રાજયમાં ચાલતી ડમી શાળાઓ સામે તપાસ કરી બંધ કરાવવા માંગણી કરી હતી. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા રાજયના તમામ ડીઇઓને પત્ર લખીને તેમના જીલ્લામાં આવી ડમી સ્કુલો ચાલતી હોય તો તેના આધારે સાથે માહીતી મોકલી આપવા આદેશ કરાયો છે. આ આદેશના પગલે હવે તમામ જીલ્લાઓમાં સત્રના પ્રારંભથી જ તપાસનો ધમધમાટ જોવા મળશે.
ધો. 1ર સાયન્સના પરિણામની સાથે ફરીવાર ડમી સ્કુલોનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. બોર્ડના સભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે ધો.1રની જાહેર પરીક્ષા પાસ કર્યા પછી વિઘાર્થીઓ આઇઆઇટી, આઇઆઇએમ, મેડીકલ સહીતના કોર્સમાં પ્રવેશ માટે પ્રયાસ કરતા હોય છે. આ વિઘાર્થીઓ ધો.10ની પરીક્ષા પાસ કર્યા પછી સીધા ધો.1રની તૈયારીમાં લાગતા હોય છે. આ વિઘાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવાથી સ્કુલોમાં નિયમિત હાજરી આપવી ન પડે તેવી ડમી સ્કુલો શોધીને તેમાં પ્રવેશ મેળવી લેતા હોય છે.
ડમી સ્કુલોમાં પ્રવેશ માટે તોતિંગ ફી પણ ભરતા હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજયમાં મોટી સંખ્યામાં ડમી શાળાઓ અસ્તિત્વમાં આવી ચુકી છે. આ ઉપરાંત રેગ્યુલર સ્કુલો પણ હવે ડમી વિઘાર્થીઓને પ્રવેશ આપતી થઇ ચુકી છે. વિઘાર્થી પ્રવેશ મેળવવા જાય ત્યારે જ નિયમિત સ્કુલે આવવાનું છે કે નહી તેની તપાસ કરીને સ્કુલે ન આવવું હોય તો ડમી તરીકે પ્રવેશ ફાળવી દેવામાં આવે છે. આવા વિઘાર્થીઓને માત્ર પ્રેકટીલ પરીક્ષા આપવા જ સ્કુલે આવવાનું હોય છે. જેથી આવી સ્કુલો સામે તાકીદે કાર્યવાહી કરી તેમને બંધ કરાવવામાં આવે તે માટે બોર્ડ સભ્ય પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.