તપાસ દરમિયાન જો ડમી સ્કૂલ મળી આવે તો તેની સામે કાર્યવાહી કરી તે અંગેની વિગતો 7 દિવસમાં બોર્ડ કચેરી ખાતે મોકલવા સૂચના
રાજ્યમાં આવેલી ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને ડમી શાળાઓ સામે તપાસ કરવા આદેશ કર્યો છે. તપાસ દરમિયાન જો ડમી સ્કૂલ મળી આવે તો તેની સામે કાર્યવાહી કરી તે અંગેની વિગતો 7 દિવસમાં બોર્ડ કચેરી ખાતે મોકલવા સૂચના આપી છે. આ આદેશના પગલે અમદાવાદમાં પણ ડમી શાળાઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં શાળાઓ સામે આકસ્મિત તપાસ કરવા માટે આદેશ કરાયો છે.
આમ, હવે આગામી દિવસોમાં આવી ડમી શાળાઓ સામે કડક પગલા લેવામાં આવશે. રાજ્યની અનેક ડમી શાળાઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. જેમાં વિદ્યાર્થીનું નામ ચાલતુ હોય છે પરંતુ તે વિદ્યાર્થીઓ અન્ય ક્લાસિસમાં જ ભણતા હોય છે. આમ, ક્લાસિસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું ન પડે તે માટેની તમામ વ્યવસ્થા આવી ડમી શાળાઓ પૂરી પાડતી હોય છે. ખાસ કરીને ધો.11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટાભાગનો સમય ક્લાસિસમાં જતા હોવાથી તેઓ ડમી શાળાઓમાં પ્રવેશ લઈ લેતા હોય છે અને ત્યારબાદ ત્યાં ભણવા માટે જતાં નથી. જેથી હવે આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડમી શાળાઓને લઈને રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખ્યો છે.
જેમાં જણાવાયુ છે કે, અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા 6 મેના રોજ જિલ્લામાં કોઈ ડમી શાળાઓ ચાલતી હોય તો તેની અને તેમાં પણ ખાસ કરીને ધો.11 અને 12 સાયન્સની શાળાઓની વિગતો આધાર સાથે મોકલવા પત્ર લખ્યો હતો. પરંતુ મોટાભાગના જિલ્લાએ આ માહિતી બોર્ડને મોકલી ન હતી. જેથી હવે આ બાબતે જરૂરી તપાસ કરાવવા તેમજ ઈન્સ્પેક્શન સમયે જો કોઈ ડમી સ્કૂલ જણાઈ આવે તો તેની સામે લીધેલા પગલા સહિતનો અહેવાલ સાત દિવસમાં મોકલવા તાકીદ કરવામાં આવી છે.
શાળાઓમાં તપાસ કરવામાં આવ્યા બાદ તે અંગેનો હકીકતલક્ષી અહેવાલ જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવા માટે પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અધિકારીઓને સૂચના આપી છે. આ બાબતે જિલ્લા કક્ષાએથી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે. શાળાઓમાં શૈક્ષણિક કાર્યના કલાકો દરમિયાન વિદ્યાર્થીઓ ગેરહાજર ન રહે તે બાબત સુનિશ્ચિત કરવા તાકીદ કરાઈ છે.