ચેટીચાંદની રજા ફરી ૨૯મીએ જાહેર કરાતા બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ હોય ત્યારે પરીક્ષા સમિતિની બેઠક બોલાવાતી નથી. પરંતુ મંગળવારે ખાસ કિસ્સામાં બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક બોલાવાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચેટીચાંદની રજામાં ફેરફાર થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફારને લઈને આ બેઠક બોલાવાઈ હોય તેમ જણાય છે. જોકે આ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દાઓ પણ ચર્ચામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોથા સેમેસ્ટરનો કાર્યક્રમ જાહેર કર્યો તેમાં ૨૮ માર્ચે પરીક્ષાનું આયોજન કર્યુ હતું અને ૨૯મીએ ચેટીચાંદની રજા જાહેર કરાઈ હતી. જોકે ત્યારબાદ ફેબ્રુઆરીમાં બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો અને ૨૮મીએ ચેટીચાંદની રજા જાહેર કરાઈ હતી અને ૨૮મીએ લેવાનારી પરીક્ષા ૨૯ માર્ચે લેવાનું નક્કી કરાયું હતું. જોકે ત્યારબાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ચેટીચાંદની રજામાં ફેરફાર કરી ૨૯મીએ રજા જાહેર કરી હતી.આમ, ચેટીચાંદની રજા ફરી ૨૯મીએ જાહેર કરાતા બોર્ડને પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડશે. જેને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠક મંગળવારે બપોરે મળશે. જેમાં ચેટીચાંદની રજાના પગલે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર અંગે નિર્ણય લેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ચેટીચાંદની રજા ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ પરીક્ષા સમિતિની બેઠકમાં ચર્ચાશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, અધ્યક્ષ સ્થાનેથી મહત્વના મુદ્દાઓ ચર્ચા માટે રજૂ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.