જે દેશમાં ૮૦ કરોડ લોકો કારમી ગરીબાઈમાં રીબાતા રહ્યા છે એને વિશ્ર્વની બીજા-ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા તરીકે ઓળખાવીને ગૌરવ લેવાય તો શું ગરીબાઈનું કલંક ભૂંસાઈ જાય? ‘ગરીબ-ધનવાન’નો ઈલ્કાબ ગરીબાઈ મીટાવવામાં કામ આવે ખરો ? ‘આર્થિક મહાસત્તા’ની મૂળભૂત વ્યાખ્યા બદલ્યા વિના આપણો દેશ પોતાના આ દાવાની વિશ્ર્વને પ્રતીતિ કરાવી શકે ખરો? નરસિંહ મહેતાની જેમ ભગવાન હુંડી સ્વીકારે તો જ આ દાવો સાચો પડે !
જૂની ઘરેડની વ્યાખ્યા મુજબ આપણે ધનવાન અને શ્રીમંત એ લોકોને કહીએ ગણીએ છીએ કે જેમને તેમની ઈચ્છા મુજબની તથા આવશ્યકતા મૂજબની તમામ ભૌતિક સાધન સામગ્રીઓ તેમજ સુખ આપતી ચીજ વસ્તુઓ મળી રહેતી હોય અને જેને કારણે રીબાવું પડે કે માનસિક-સામાજિક પીડા ભોગવવી પડે એવું કશું જ દુર્ભાગ્ય એમને લગીરેય ભોગવવું પડતું ન હોય ! આપણા દેશમાં છેક આઝાદી પૂર્વેના વખતથી અને તે પછીનાં વખતથી કરોડો લોકો કારમી ગરીબાઈમાં રીબાતા રહ્યા છે,તેમજ અર્ધભૂખ્યા અને અર્ધનગ્ન હાલતમાં પરાણે-પરાણે જીવી રહ્યા છે એ હકિકત આખી દુનિયા જાણે છે તેમ છતાં આપણો દેશ આર્થિક મહાસત્તાઓની હરોળમાં આવી પહોચ્યો છે એવો દાવો કરવાની પાવરધાઈ દાખવવાનું દુ:સાહસ આપણા રાજપુરૂષો કરે છે. નિષ્પક્ષ સત્યશોધકો આગળ આવશે ખરા ?
આપણા દેશનો સારી પેઠે વિકાસ થયો છે, આપણો દેશ મજબુત વિકાસ સાધી રહ્યો છે. અને તે વિશ્ર્વભરના વિકસિત દેશોની હરોળમાં આવી જવા થનગને છે. વિકાસ સાધવાનો ઉત્સાહ અને ઈચ્છાશકિત આપણા દેશની સરકારમાં પણ છે અને પ્રજામાં પણ છે.
ભારતને ‘ન્યુ ઈન્ડીઆ’માં પરિવર્તિત કરવાની આપણા વડાપ્રધાનની તમન્ના છે. ‘મેઈડ ઈન ઈન્ડીઆ’નો નવો જ પ્રવાહ સર્જવાનો મિજાજ આપણા વડાપ્રધાન ધરાવે છે. તેઓ જે જે દેશોમાં જઈ આવ્યા છે. અને તેમના વિચારો તેમજ આકાંક્ષાઓ ઘોષિત કરી આવ્યા છે. ત્યાં બધે જ એમની કાર્યદક્ષતાની અને એક ઉમદા નેતા હોવાની છાપ મૂકી આવ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બહુચર્ચિત ભારતયાત્રાને ટાંકણે જ તેમણે એવી ઘોષણા કરી છે કે, ભારત વિશ્ર્વના અન્ય વિકસિત દેશોને પાછળ રાખીને વિશ્ર્વની બીજા નંબરની આર્થિક સત્તા બનવાના આરે પહોચી ગયું છે. આમ તો દેશના વડાપ્રધાનની આ ઘોષણા હોવાથી એની સત્યતા વિષે કાંઈ અણગમતી ટકોર કરવાનું કારણ નથી !
તો પણ એવો સવાલ તો જાગે જ છે કે, જે દેશમાં ૮૦ કરોડ લોકો કારમી ગરીબાઈમાં છેક આઝાદી સાંપડયાના વખતથી રીબાતા રહ્યા હોય એ દેશને વિશ્ર્વની આર્થિક મહાસત્તા ગણીએ તો એ કેવા વિરોધાભાસનું દર્શન કરાવે ? કોઈ સાધન સંપન્ન અને ધનિક વ્યકિત એમ કહી શકે ખરી કે મારા ઘરમાં બેસુમાર ગરીબી છે અને અમે ગરીબના ગરીબ રહ્યા છીએ?
જો કયાંક પણ અણઆવડત, બૂરી આદતો, બેફામ અને નિરંકુશ વહિવટ તેમજ કરકસરનાં છાંટા વગર કોથળાને કોથળા ભરીને ખોટા ખર્ચની નાદાની હોયતો જ એવું બને !
આપણા દેશને બેકાબુ ભ્રષ્ટાચાર અને અમાપ મતિ ભ્રષ્ટતાએ બરબાદ કર્યા કર્યો છે. અહી અનેક જાતના ખોટાં કાર્યો થતાં રહ્યા છે. ફરી ફરીને કહેવું પડે છે કે, ચૂંટણી લક્ષી અને રાજગાદી લક્ષી રાજકારણે આ દેશની સંસ્કૃતિને, સંસ્કારને અને સભ્યતાને છિન્નભિન્ન કરી નાખ્યા છે.
પ્રજા-ખાસ કરીને ગરીબો-સામાન્ય જનો બરબાદીથી ગળે આવી ગયા છે. મોંઘવારીના ડામ આ દેશના વિકાસને રૂંધે છે.
તમામ ક્ષેત્રોમાં સંકુચિત સ્વરૂપની સ્પર્ધાએ માઝા મૂકી છે. મંદિરો સુધી અને ધાર્મિકતા-સાંપ્રદાયિકતા સુધી આ અનિષ્ટ પહોચ્યું છે. એને લીધે આંતરિક એકાત્મતા ભૂંસાતી રહી છે.
અહી એમ કહેવું પડે છે કે, આપણા દેશમાં ચોકકસ પરિબળોએ નારીને-મહિલાઓને તેની ભૂમિકા ભજવવા દીધી નથી.
જયાં વૈદિ ક્અને ઉપનિષદ કાળમાં અહીની સ્ત્રીઓ વિદ્યા, અધ્યાત્મ, શૂરવીરતા વગેરે ગુણોમાં ચડિયાતી હતી અને તેમના પ્રભાવથી તેમના સંતાન પણ સંસારમાં મહાન કાર્ય કરી બતાવવામાં સમર્થ રહેતા હતા. ત્યાં લગભગ ૫૦ ટકા સ્ત્રીઓ આજની પરિસ્થિતિમાં એટલી દયનીય અને અસહાય અવસ્થામાં પડેલી છે કે જોઈ-સાંભળીને ફકત દુ:ખજ નથી થતું, પણ શરમથી માથું ઝૂકી જાય છે. મહર્ષિ કર્વેએ તેમના દેશકાળમાં નારી શકિતની ઉપકારકતા અને ઉપયોગિતા પ્રસ્થાપિત કર્યા હતા.
જો આપણા દેશે ખરેખર અર્થમાં આર્થિક મહાસત્તા બનવું હશે અને તે વિશ્ર્વસમક્ષ પૂરવાર કરી આપવું હશે તો આપણા દેશની નારીશકિતની ભૂમિકા સ્વીકારીને તેને કાર્યશીલ કરવી જ પડશે.
આપણો દેશા આર્થિક મહાસત્તા બની હોય તો તેને પૂરવાર કરી આપવાનું કૌશલ્ય તે પામે એમ કોણ નહિ ઈચ્છે? અહી એક વાત ન જ ભૂલીએ કે પુરૂષ અને સ્ત્રીના ચાર હાથ સમાન દરજજે સાથે મળીને કામ કરતા થઈ જશે તે દિવસે આપણો દેશ પોતે આર્થિક સત્તા હોવાનું સાબિત કરી દઈ શકશે, અને મહાન દેશ હોવાનું પણ સાબિત કરી દેશે, અને અમેરિકી પ્રમુખને રાજી રાજી કરી દેવાના નુસખા નહિ શોધવા પડે !
– અને હા, કોઈપણ સ્વાવલંબી રાષ્ટ્ર અન્યની સહાય લઈને પ્રબળ બનતા રાષ્ટ્રથી વધુ ચઢિયાતું બની રહે છે એ ભલવા જેવું નથી ! અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારાઈ હતી એ દેશકાળ આજે નથી રહ્યો એ પણ ભૂલવા જેવું નથી !