રસોઈ બનાવવા માટે ગૃહિણીઓએ હવે પરેશાન થવાની જરૂર નથી. સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશથી આવતા પામતેલ પર લાગતા આયાત દર ઘટાડવાની જાહેરાત કરી છે. આયાત દરનો ઘટાડો આજથી લાગૂ થસે અને તે 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. સરકારના આ નિર્ણયથી ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થશે અને હાલ પુરતી રાહત મળી શકે છે. તેવી લોકો આશા સેવી રહ્યા છે.
ક્રુડ પામતેલ ઉપરની આયાત ડ્યુટીમાં ઘટાડો
હવે ક્રૂડ પામ ઓઇલ પર 10 ટકા અને અન્ય પામતેલો પર 37.5 ટકા ડ્યુટી લાગશે
નાણાં મંત્રાલય હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે ક્રૂડ પામ ઓઇલ પર 10 ટકા આયાત ડ્યૂટી લાગશે. તે હાલમાં 15 ટકા આયાત ડ્યુટી હતી, જેમાં 5 ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય પામતેલો પરની આયાત ડ્યૂટી હાલમાં 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ કે અન્ય પામ તેલની આયાત ડ્યુટીમાં 7.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઓક્ટોબરથી બજારમાં તેલીબિયાના પાકનો નવો માલ આવવા સાથે ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થશે. નિષ્ણાંતોના મતે, ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પામતેલ પરનો ઘટાડેલો દર 30 સપ્ટેમ્બર સુધી જ લાગુ રહેશે. જેથી ઘરેલુ તેલીબિયાળના પાકના ભાવને અસર ન થાય અને ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી શકે. અપેક્ષા છે કે 30 સપ્ટેમ્બર પછી ઘરેલુ પાક માટે સારા ભાવ જાળવવા પામતેલ પર આયાત ડ્યૂટી ફરી એકવાર વધારવામાં આવશે.
ખાદ્યતેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો: સીંગતેલના ડબ્બાના 2360, કપાસિયાના 2275, સનફ્લાવરના 2200
અંતે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી આવતા સિંગતેલના ભાવ ઘટ્યા છે. સાઉથના વેપારીઓ દર વર્ષે મગફળીની ખરીદી કરે છે. આ વખતે મગફળી સૌરાષ્ટ્રમાં વેચવા મૂકી છે પુષ્કળ આવકના પરિણામે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
સિંગતેલના ડબાનો ભાવ ઘટીને 2360 રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં ડબે રૂપિયા 160 નો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલનો ડબો 2275 રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં કપાસિયા તેલના ડબ્બામાં 95 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. એક ડબ્બાનો ભાવ 1825 રૂપિયા થયો છે. પામોલિન તેલમાં ડબે રૂપિયા 225 નો ઘટાડો થયો છે. તો આ સાથે જ સનફ્લાવર તેલમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે. સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયાનો થયો છે. સનફ્લાવર તેલમાં ભાવમાં ડબે રૂપિયા 340 નો ઘટાડો થયો છે.