કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી ટૂંક સમયમાં પામતેલના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 280 સુધી નીચે આવી શકે છે
અબતક, નવી દિલ્હી
ખાદ્ય તેલ બહુ જલ્દી સસ્તું થઈ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઈલ પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. ક્રૂડ પામ ઓઈલ પર હવે 7.5 ટકાના બદલે માત્ર 5 ટકા સેસ લાગશે. અને તેના કારણે હવે કસ્ટમ ડ્યુટી 8.25 ટકાના બદલે 5.5 ટકા થશે. આ ઘટાડાથી પામતેલના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 280 સુધી નીચે આવી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પામ ઓઈલના ભાવ ઘટશે તો ખાદ્યતેલ પણ સસ્તું થશે. કારણ કે પામ ઓઈલનો ઉપયોગ ખાદ્યતેલ બનાવવામાં થાય છે.
ક્રૂડ ઓઈલના વધતા ભાવ ઘણા સમયથી સમાચારોમાં છે.અગાઉ ઓક્ટોબર 2021માં પણ સરકારે ખાદ્ય તેલની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. અને કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં પ્રતિ કિલો 8 થી 12 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નાણાકીય વર્ષ 2020-21માં ભારતમાં 8.5 મિલિયન મેટ્રિક ટન પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2011-12માં, 8 થી 9 મિલિયન મેટ્રિક ટન પામ તેલનો ઉપયોગ થયો હતો.એવું માનવામાં આવે છે કે એક ભારતીય વ્યક્તિ એક વર્ષમાં લગભગ 19 કિલો ખાદ્ય તેલનો વપરાશ કરે છે. દેશમાં વપરાતા ખાદ્ય તેલમાં સોયાબીન અને પામ તેલનો હિસ્સો 86 ટકા છે.
એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે 25 મિલિયન ટન ખાદ્ય તેલની માંગ રહે છે. પરંતુ દેશમાં માત્ર 10.5 મિલિયન ટન ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે. ભારત બાકીની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. અને વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક દેશો ઈન્ડોનેશિયા અને મલેશિયા છે. ભારત આ દેશોમાંથી ક્રૂડ પામ ઓઈલની પણ આયાત કરે છે.તમને જણાવી દઈએ કે ખાદ્ય તેલ અને તેલીબિયાંની કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને આ કોમોડિટીઝ પર સંગ્રહ મર્યાદાના આદેશને લાગુ કરવા જણાવ્યું છે. કેન્દ્રએ રાજ્યોને સપ્લાય ચેઈન અને વેપારમાં ખલેલ પહોંચાડ્યા વિના આ આદેશનો અમલ કરવા જણાવ્યું છે. 3 ફેબ્રુઆરીએ, કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાદ્ય તેલ અને તેલીબિયાં પરના સ્ટોક લિમિટને ત્રણ મહિના એટલે કે 30 જૂન સુધી વધારવાનો આદેશ આપ્યો હતો. ઓર્ડરમાં સ્ટોરેજ લિમિટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.