ઈડર તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવાનો મામલો ગરમાયો
ઈડર તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જ્યારે ભૂતકાળમાં ઈડર સિવિલ હોસ્પિટલ જે શહેરમાં હતી તેને ખસેડીને શહેરથી દૂર ખસેડી દેવામાં આવી હતી. જેને લઈને ગરીબ અને મધ્ય વર્ગના લોકો સારવાર કરાવવા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે ફરી એક વાર ઈડર તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલથી તાલુકાની પ્રજામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પક્ષ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે કોંગ્રેસ પક્ષ ઉગ્ર જનઆંદોલન કરવા માટે તૈયારી કરી રહી છે.
ત્યારે આ અંગે ઈડર કોંગ્રેસ સમિતિ દ્વારા હોટલ સિટી લાઈટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાત કરવામાં હતી કે તાલુકા પંચાયત કચેરી હાલ ઈડર શહેરની મધ્યમાં કાર્યરત છે જ્યારે ઈડર તાલુકાના છેવાડાનો માણસો પોતાના કામ અર્થે તાલુકા પંચાયત નજીક હોવાથી પોતાનું કામ પતાવીને સાથે સાથે બજારનું પણ કામ પતાવી સમયસર પોતાના ઘરે પહોંચી શકે તેમ છે જ્યારે કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ મામલે તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે શાસક પક્ષ ભાજપ દ્વારા તાલુકા પંચાયતની કચેરી ઈડર શહેરથી દૂર લઈ જવાની વાત વહેતી થઈ છે અને આગામી તા.૧૦ ઓગસ્ટના રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા થવા જઈ રહી છે જેમાં તાલુકા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવાનો ઠરાવ પણ કરવામાં આવનાર છે .ત્યારે આ મામલે તાલુકા પંચાયતમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ પક્ષના ૧૧ સભ્યો ચુંટાયા છે અને આ મામલે અગાઉ પણ કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો અને આગામી ૧૦ તારીખે યોજાનાર સામાન્ય સભામાં પણ કોંગ્રેસના ૧૧ સભ્યો ભારે વિરોધ કરવાના તેવું જાણવા મળ્યું હતું.
સંજય દિક્ષિત