- બર્થડે પાર્ટીમાંથી પરત ફરતા તબીબ પરિવારને અકસ્માત નડ્યો : સાત માસની બાળકીનું પણ કરૂણ મોત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. જેમાં 4 લોકોના કરૂણ મોત થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર એક બેફામ ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.
હિંમતનગર-ઈડર હાઇવે પર ભેટાલી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત માસની બાળકી સહિત ચારના મોત થયાં છે. ટ્રક ચાલકે મારૂતિ કારને અડફેટે લેતા એક જ પરિવારના ચારના ઘટના સ્થળે મોત થયાં હતાં. મૃતકોમાં ડોક્ટર નેત્રામલીના પરિવારના ચાર સભ્યોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ ધીમી ગતિએ ચાલતા રોડ સમારકામના પગલે એક જ સપ્તાહમાં પાંચ અકસ્માત સર્જાયા હોવાની ચર્ચા થઈ રહી છે. જેને પગલે હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ તબીબ પરિવાર બર્થડે પાર્ટી પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ટ્રેકે મારુતિ કારને અડફેટે લેતા તબીબ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં સાત માસની બાળકીનો પણ સમાવેશ થાય છે. ઇડર હાઇવે પર એક સપ્તાહમાં બનેલો આ પાંચમો બનાવ છે.
કેમ એક પછી એક અકસ્માત વધ્યાં?
જે ઇડર હાઇવે પર સતત અકસ્માતો સર્જાઈ રહ્યા છે તે હાઇવેનું હાલ સમાર કામ ચાલી રહ્યું છે. સમારકામના લીધે ડાયવર્ઝન તેમજ વન-વેથી અજાણ વાહનચાલકો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હોય અથવા તો પૂરપાટ દોડતા વાહનો સામ-સામે આવી જતાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ હાઇવે પર એક જ અઠવાડિયામાં કુલ 5 જેટલાં અકસ્માત સર્જાયાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે.
એક જ સપ્તાહમાં 5 અકસ્માતથી અનેક પરિવારના માળા વિખાયા
મૃતકોમાં એક ડોક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.