હિતેશ રાવલ, સાબરકાંઠા:
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો પ્રથમ દિવસથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો. છેલ્લાં એક વર્ષ કરતા પણ વધારે સમયથી કૃષિ કાયદા સામે દેશનાં ખેડૂતો રાજધાની દિલ્લીની સિંધુ બોડર પર આંદોલન પર કરતાં હતાં. ત્યારે એક વર્ષ કરતા વધારે સમય પછી કેન્દ્ર સરકારે અંતે આ ત્રણ કાયદા પાછા ખેંચ્યા છે. જેના પર રાજકીય, સામાજિક આગેવાનો દ્વારા પ્રતિક્રિયા અપાઈ રહી છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં કોંગ્રેસે બજારમાં ફટાકડાં ફોડી એકબીજાનું મો મીઠું કરાવી વિજયોત્સવ મનાવ્યો છે.
એક વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કૃષિ કાયદો લાવતાં ખેડૂતો રોષે ભરાયાં હતાં અને છેલ્લાં એક વર્ષથી દેશ ની રાજધાની હોય કે રાજધાનીની સરહદ પર સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા હતા. કિસાન આંદોલનમાં ૬૦૦થી પણ વધારે ખેડૂતોએ બલિદાન આપવા પડ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોનાં હિતમાં નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય લેતાં સમગ્ર દેશનાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
કિશાન મોરચાના પ્રમૂખ ઈડર- કોંગ્રેસ નરેન્દ્રસિંહે કહ્યું કે સરકારના નિર્ણયથી ખેડૂતો ખુશ છે પણ સાથે 600 જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. જે દુ:ખદ છે. આજે ખેડૂતોની એકતાની જીત થઈ છે. ઠેર ઠેર ખેડુત સંગઠનોએ ફટાકડાં ફોડી સરકારનાં નિર્ણયને વધાવ્યો છે ત્યારે ઈડરમાં કોંગ્રેસના કિશાન મોરચા દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. કિસાન એકતા જિંદબદના નારા લગાવ્યા છે.
ઈડર કોંગ્રેસનાં કાર્યકરોએ એપોલો ત્રણ રસ્તા ખાતે ભાજપ સામે ભારે શુત્રોચાર કરી ખેડૂતોનાં વિજયને ફટાકડાં ફોડી વધાવ્યો હતો. ખેડુત આંદોલનમાં પોતાના જીવ ગુમાવનાર ૬૦૦થી પણ વધારે ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.