બે’દી પહેલા દિનદહાડે બસ સ્ટેન્ડમાંથી આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી રૂ.૮ લાખની લૂંટ ચલાવી’તી: એક ફરાર
અબતક-સંજય દીક્ષિત- ઇડર
ઇડરના બસ સ્ટેશન વિસ્તારમાં ગત બુધવારના જયંતિભાઇ સોમાભાઇ પટેલ આંગડિયા પેઢીના કર્મી પાસેથી રૂ.૮ લાખની લૂંટ કરી અપહરણ કરવાના પ્રકરણમાં ખેરાલુના મલેકપુર સરપંચના દીકરાની પોલીસે અટકાયત જાહેર કરતાં અને પાટણ એલસીબીએ અન્ય ૪ શખ્સોને પણ ઝડપી લેતાં ગણતરીના કલાકોમાં સમગ્ર અપહરણ વિથ લૂંટનો પર્દાફાશ એલસીબીએ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લૂંટનું પ્લાનિગ રેકી લૂંટ અપહરણમાં કુલ ૬ જેટલા શખ્સોની સંડોવણી હોવાનું અને સાબરકાંઠા એસઓજી દ્વારા અન્ય એકને પણ દબોચી પૂરો મુદ્દામાલ રિકવર કરવાની ગતિવિધિ તેજ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ પ્રકરણમાં હજુ એક આરોપી વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.
બે દિવસ અગાઉ ઇડરના ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ધોળા દિવસે આંગડિયાકર્મીનું અપહરણ કરી રૂ. ૮ લાખથી વધુના સોના-ચાંદી ડાયમંડના પાર્સલની લૂંટ કરી આંગડિયા કર્મીને હિંમતનગરના ગઢા ગામ નજીક ફેંકી દેવાની ચકચારી ઘટનામાં પોલીસે એક પળનોય વિલંબ કર્યા વગર ઈકો માંથી મળી આવેલા કાગળો દસ્તાવેજોના આધારે શકમંદોને ચિન્હિત કરી લીધા હતા.
ઇકોને કબજે લઇ તેના માલિકની ભાળ મેળવી પોલીસ ખેરાલુના મલેકપુર ગામે પહોંચી હતી અને પોલીસના જણાવ્યાનુસાર સરપંચના દીકરા ચેતન વિનુજી ઠાકોરની પૂછપરછ કરતાં શરૂઆતમાં ગલ્લાંતલ્લાં કર્યા બાદ ભાંગી પડયો હતો અને તમામ વિગતો ઓકી કાઢતાં અપહરણ વિથ લૂંટ પ્રકરણનો પર્દાફાશ થયો હતો. પોલીસે શુક્રવારે ચેતન ઠાકોરની અટકાયત કરી હતી. બીજી બાજુ પાટણ એલસીબીએ સાબરકાંઠા એસઓજીના સંકલનમાં રહી સિદ્ધપુર, વિસનગર અને ખેરાલુ તાલુકાના અન્ય ચાર લૂંટારુઓ ઠાકોર વદેસિંહ ઉર્ફે કાનાજી ગાંડાજી, ઠાકોર અશોકજી પ્રતાપજી, ઠાકોર ગોપાળજી સુજાજી અને ઠાકોર પંકેશજી લવજીજીને સરસ્વતી નદીમાંથી ઝડપી લઈ રૂ.૧ લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. જ્યારે હજુ ઠાકોર કલ્પેશજી હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથધરી છે.