ઇડર સમાચાર
ઇડરના મુડેટી નજીકના જંગલ વિસ્તારમાંથી એક માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી છે. ડુંગરાળ સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં કંકાલ હોવાને લઈ ઈડર પોલીસને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. જેને લઈ પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં માથા અને પગ સહિત ખોપરીનો ભાગ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યુ હતુ.
આ ઉપરાંત આસપાસમાં તપાસ કરતા ચંપલ અને સાડી જેવી ચિજો પણ મળી આવતા એ દિશામાં પણ ઓળખ કરવાની તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને પ્રાથમિક રીતે સિયાસણ ગામની યુવતી હોવાની આશંકા સર્જાઈ હતી. જે ગત ઓગષ્ટ માસમાં ગુમ થઈ હતી અને જે અંગેની ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ જારી હતી. આ દરમિયાન કંકાલ મળતા હવે આ દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે હત્યા અને આત્મહત્યાની દીશામાં પણ તપાસ શરુ કરી છે.