ઘરેથી ઉત્તરવહીમાં લખી પરીક્ષા આપતી બે વિદ્યાર્થીનીને ૬ પરીક્ષાની સજા પરીક્ષામાં કાપલી ચાવી જનાર – મોબાઈલ લાવનારા ૫ વિદ્યાર્થીની ૪ પરીક્ષા રદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની EDACમાં પરીક્ષા ચોરી કરતાં ૮૨ વિદ્યાર્થીઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી.૮૨ વિદ્યાર્થીઓ ૧થી ૬ પરીક્ષા નહીં આપી શકે. જેમાં ઘરેથી પુરવણીમાં લખી પરીક્ષા આપતી બે છાત્રાને ૧+૬ પરીક્ષાની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે પરીક્ષા દરમ્યાન કાપલી ચાવી જનારા એક વિદ્યાર્થી અને મોબાઈલ સાથે પરીક્ષા આપતા ચાર વિદ્યાર્થીને ૧+૪ પરીક્ષાની સજાનું એલાન થયું છે. સૌથી વધુ આકરી સજા બે વિદ્યાર્થિનીને કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવેમ્બર/ડિસેમ્બર ૨૦૧૮, ફેબ્રુઆરી – માર્ચ – એપ્રિલ ૨૦૧૯ માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને સાંભળવા માટે ગુરુવારે EDAC(એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠક મળી હતી. જેમાં કુલપતિ ડો. નિતિન પેથાણીની અધ્યક્ષતામાં ૮૨ વિદ્યાર્થીઓને સજા સંભળાવવામાં આવી હતી. એમ.એ. સેમ. ૧ એક્સટર્નલની પરીક્ષામાં વિદ્યાર્થિની પૂર્વી કિલજી ઘરેથી પુરવણી લઈને પરીક્ષા આપવા આવી હતી જ્યારે આ જ રીતે એમ.એ. સેમ.૩ એક્સટર્નલમાં નિલમ ચોટલીયાએ પણ ઘરેથી પુરવણી લાવી મુખ્ય ઉતરવહી સાથે જોડી હતી. જેથી બન્ને વિદ્યાર્થિનીને ૧+૬ પરીક્ષાની સજા સંભળાવવામાં આવી હતી.
જ્યારે રાજકોટની ગ્રેસ કોલેજમાં એલ.એલ.બી. સેમ. ૪ ની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી સુમિત વ્યાસ સુપરવાઈઝરને જોઈ કાપલી ચાવી ગયો હતો અને પુરાવાનો નાશ કર્યો હતો. જ્યારે બી.એ. સેમ.૬ ની પરીક્ષામાં તુષાર વિંઝુડા અને પાર્થ ખૂંટ, બી.એ. સેમ.૬ ની પરીક્ષામાં રિધ્ધિ સોની તથા બી.એ. સેમ.૬ એક્સટર્નલની પરીક્ષામાં જયપાલ સોલંકી મોબાઈલ સાથે ઝડપાઈ ગયા હતા. જેથી પાંચ વિદ્યાર્થીને ૧+૪ પરીક્ષાની સજા સંભળાવવામાં આવી હતી. ઉપરાંત ગેરરીતિ આચારતા ૧૧ વિદ્યાર્થીને ૧+૩ અને ૬૪ છાત્રને ૧+૧ પરીક્ષાની સજાની સુનાવણી થઈ હતી.
યુનિવર્સિટીની EDACમાં પરીક્ષા ચોરી કરતાં ૮૨ વિદ્યાર્થીને ગુરુવારે ૧ થી ૬ પરીક્ષાની સજા સંભળાવવામાં આવી હતી. જેથી આ તમામ વિદ્યાર્થીઓ સજાના સમયગાળા દરમ્યાન પરીક્ષા નહીં આપી શકે અને તેમને યુનિવર્સિટી સંલગ્ન કોઈ પણ કોલેજમાં પ્રવેશ પણ નહીં મળે.