નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડીનું ફરી કોંગી નેતા માટે સમન્સ જાહેર થતા કોંગ્રેસે બેઠક બોલાવી, દેશભરમાં પ્રદર્શન કરવાની રણનીતિ ઘડી]
બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને ઇડી દ્વારા સમન્સ પાઠવવા સામે પાર્ટી કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશભરમાં આંદોલન કરશે. બુધવારે પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇડીએ કોંગ્રેસ અધ્યક્ષને 21 જુલાઈએ સમન્સ પાઠવ્યુ છે, તે જ દિવસે પાર્ટી દેશભરમાં આંદોલન કરશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીને 21 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે દિલ્હીમાં ઇડી હેડક્વાર્ટરમાં પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઈડીએ જૂનમાં રાહુલ ગાંધીની પાંચ દિવસ પૂછપરછ કરી હતી. તે સમયે પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઇડી તેમજ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસે આજે એટલે કે ગુરુવારે ફરી પાર્ટીની મોટી બેઠક બોલાવી છે. બેઠકમાં પાર્ટીના તમામ મહાસચિવ, રાજ્યોના પ્રભારી અને પીસીસી ચીફ ’ભારત જોડો યાત્રા’ અને કોંગ્રેસના અન્ય સંગઠનાત્મક કાર્યક્રમો પર વિચાર અને મંથન કરશે.
કોંગી સાંસદો સંસદ પરિસરમાં પણ કરશે વિરોધ
સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે, તેથી કોંગ્રેસના સાંસદો સંસદ પરિસરમાં પણ કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારની બેઠક બાદ કહ્યું, “કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સિંહણ છે, તેઓ આવી બાબતોથી ગભરાતા નથી. તેણીએ ઘણી વખત આવી બાબતોનો સામનો કર્યો છે. તે ઇડી ઓફિસ જશે અને આ સરકારનો સામનો કરશે.
ઇડીએ અગાઉ રાહુલ, ખડગે અને બંસલની પૂછપરછ કરી છે
ઇડીએ અગાઉ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, ખડગે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બંસલની પૂછપરછ કરી ચૂકી છે. રાહુલ ગાંધીને જૂનમાં ઘણી વખત અને કેટલાય કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કોંગ્રેસ આ મામલે કેન્દ્ર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવી રહી છે. રાહુલ ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસે ઉગ્ર આંદોલન કર્યું હતું. પાર્ટીએ દિલ્હી પોલીસ પર દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને નેતાઓ સામે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.