મનીષ વાળી અરવિંદ સાથે થશે ?
અબતક, નવી દિલ્હી : એક્સાઇઝ પોલિસી કેસમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને ઇડીએ સમન્સ પાઠવ્યું છે.તેઓને બીજી નવેમ્બર પહેલા હાજર થવા જણાવ્યું છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલ સાથે પણ મનીષ સીસોદીયાવાળી થવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટ બોલાવ્યા હતા.
એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સીસોદીયા બાદ હવે કેજરીવાલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું ઇડી
આ વર્ષે એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈદ્વારા તેમની ઓફિસમાં દારૂ નીતિ કેસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ સવારે 11.10 વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા અને 8.30 વાગ્યે એજન્સીની ઓફિસમાંથી બહાર આવ્યા હતા.
સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત દારૂનું કૌભાંડ ખોટું અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. આપ એક કટ્ટર પ્રમાણિક પક્ષ છે. તેમણે લગભગ 56 પ્રશ્નો પૂછ્યા.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા 241 દિવસથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે 17 ઓક્ટોબરે તેમની જામીન અરજી પર સુનાવણી કરતાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.આપ નેતા મનીષ સિસોદિયા પર દિલ્હીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી.