૧૫ કોમર્શિયલ અને રેસીડેન્ટ પ્રોપર્ટી કે જે ઈકબાલ મીરચીના કુટુંબી લોકોની છે તેને પણ જપ્ત કરવામાં આવી
હવાલાકાંડમાં સંડોવાયેલા અને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો અંગત વ્યકિત એવા ઈકબાલ મીરચીની દુબઈ સ્થિત ૨૦૩ કરોડ રૂપિયાની સંપતિને ઈડીએ જપ્ત કરી છે. સાથો સાથ સર્ચ દરમિયાન ૧૫ કોમર્શિયલ અને રેસીડેન્ટ પ્રોપર્ટી કે જે ઈકબાલ મીરચીના કુટુંબી લોકોની છે તેને પણ જપ્ત કરવામાં આવી છે. ઈડીના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઈકબાલ મીરચી હવાલાકાંડમાં સંડોવાયેલો હોવાના કારણે તેની ઉપર તપાસ કરવામાં આવી હતી જે ૧૫ સંપતિને જપ્ત કરવામાં આવી છે તેમાં મીડવેસ્ટ હોટલ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈડી દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં ઈકબાલ મીરચીની કુલ સંપતિ ૨૦૩.૨૭ કરોડ રૂપિયાની હોવાનું સામે આવ્યું છે જેની જપ્તી પણ કરી હોવાનું જણાવાયું છે. ઈડીના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દુબઈ ખાતે જે ઈકબાલ મીરચી પાસે રહેલી સંપતિ છે તે વઢવાણ બ્રધર્સ દ્વારા આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
દિવાન હાઉસીંગ ફાયનાન્સ લિમિટેડ એટલે કે ડીએચએફએલના પ્રમોટર તરીકે વઢવાણ બ્રધર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓને પણ હવાલાકાંડમાં સંડોવણી ખુલતા તેમના ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જે મુદ્દે કપીલ વઢવાણને પણ હિરાસતમાં લેવામાં આવ્યો હતો પરંતુ સમય જતા તેને જામીન પણ મળ્યા હતા. હાલ ઈડીએ હવાલાકાંડમાં કુલ ૭૭૬ કરોડ રૂપિયાની સંપતિને જપ્ત કરવામાં આવેલી છે. ગત વર્ષના ડિસેમ્બર માસમાં ઈડીએ બે જપ્તીના ઓર્ડર પણ બહાર પાડયા હતા. કહેવામાં આવે છે કે ઈકબાલ મીરચી કે જે વર્ષ ૨૦૧૩માં લંડન ખાતે મૃત્યુ પામ્યો હતો તે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો અંગત વ્યકિત પણ માનવામાં આવતો હતો કે જેને રાજકોટ ખાતેના ભાસ્કર અપહરણકાંડમાં વરિષ્ઠ પોલીસ અધિકારીને લંડનથી બાતમી આપી હતી. ઈકબાલ મીરચી મુખ્યત્વે ડ્રગ ટ્રાફિકીંગ અને હવાલાકાંડ જેવા ગુનામાં દાઉદ ઈબ્રાહિમની સાથે કામ કરતો હતો.
વૈશ્ર્વિક સ્તર પર ઈકબાલ મીરચી આંતરરાષ્ટ્રીય ડ્રગ ડિલર તરીકે ઓળખાતો હતો અને ઘણી ચીજવસ્તુઓનું સમગર્લીંગ કરતા તેને વિશ્ર્વમાં અનેક સ્થળોએ ખુબ મોટી પ્રોપર્ટી અને સંપતિને પણ ઉદભવિત કરી હતી. ઈડી દ્વારા એ વાતની પણ જાણ થઈ છે કે, ઈકબાલની ઘણીખરી સંપતિ કે જેમાં તે સીધો જ સામેલ ન હોય તેવી મુંબઈની આજુબાજુમાં પણ ઘણીખરી સંપતિઓ રહેલી છે જેની હાલ તપાસ પણ ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટર એટલે કે ઈડીએ મુંબઈ હાઈકોર્ટ સમક્ષ ડિસેમ્બર માસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી અને કોર્ટે ઈકબાલ મીરચીના દિકરા આસીફ મેમણ, જુનેદ મેમણ અને તેમની પત્ની હજરા મેમણ વિરુઘ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ પ્રસિઘ્ધ કરવા માટેની પરવાનગી પણ આપી હતી.