એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની 538 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ પણ નરેશ ગોયલ સામે કાર્યવાહી થઈ હતી, જોકે આજની કાર્યવાહી ગોયલ માટે સૌથી મોટો ઝટકો હોવાનું મનાય છે. ઇડીએ કાર્યવાહી અંગે સંપર્ણ નિવેદન જારી કર્યું છે, જેમાં જણાવાયું કે, તેમના પરિવારના અન્ય સભ્યોની પ્રોપર્ટી મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે.

જેટ એરવેઝની રૂ.538 કરોડની ભારત અને વિદેશમાં રહેલી મિલકતો જપ્ત કરાઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે કહ્યું કે, કથિક બેંક લોન કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગની તપાસ હેઠળ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો અને કંપનીની લંડન, દુબઈ અને ભારતમાં આવેલી 538 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં 17 ફ્લેટ, બંગલાઓ અને કોમર્શિયલ મિલકત પણ સામેલ છે.

આ અગાઉ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ઇડી દ્વારા કરવામાં આવેલી તેમની ધરપકડ અને 29 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડને અનધિકૃત, મનસ્વી અને ગેરકાયદે ગણાવી બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યા હતા. પીએમએલએ એક્ટ હેઠળ સ્પેશ્યલ કોર્ટ દ્વારા તેમને 29 સપ્ટેમ્બર સુધીની જ્યુડિશ્યલ કસ્ટડી આપી તેના બીજા જ દિવસે 74 વર્ષના નરેશ ગોયલે 14 સપ્ટેમ્બરે બોમ્બે હાઇકોર્ટમાં આ ધરપકડને પડકારતી અરજી નોંધાવી હતી.

ઇડીએ તેમની પહેલી સપ્ટેમ્બર કેનેરા બેન્ક સાથે 538 કરોડ રૂપિયાના છેતરપિંડી સબંધિત કહેવાતાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી હતી. 74 વર્ષના ગોયલે એરેસ્ટ મેમો અને રિમાન્ડ ઓર્ડરને પણ પડકારી દાવો કર્યો હતો કે તેમની સામે કાર્યવાહી કરવામાં કાનુની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. અરજીમાં જણાવાયું હતું કે પીએમએલએ એક્ટની કલમ 19 હેઠળ ફરજિયાત જરૂરિયાતોનું પાલન કર્યા વિના જ આ ધરપકડ કરાઈ, તેથી તે નિરર્થક છે અને તેમને તત્કાળ છોડી દેવામાં આવે.

કેનેરા બેન્ક દ્વારા છેતરપિંડી, કાવતરૂ અને ગુનાઇત વિશ્વાસભંગના આરોપો મુકી જેટ એરવેઝ અને નરેશ ગોયલે અન્ય લોકો સાથે મળી બેન્કના ભંડોળમાંથી 538 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સીબીઆઇએ ત્રીજી મેના રોજ એફઆઇઆર નોંધાવી હતી. સીબીઆઇની ફરિયાદને આધારે ઇડીએ તેનો કેસ નોંધ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.