તાજેતરમાં બહાર આવેલા કરોડો રૂપિયાના CGST કૌભાંડમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમોએ ગુરુવારે ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે આ ટીમોએ ગુરુવારે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી સહિત 23 જગ્યાઓની સર્ચ કરી હતી.
ત્યારે આ મામલે EDના સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 100 અધિકારીઓએ અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં 23 સ્થળોએ સર્ચ કર્યું હતું. આ દરમિયાન આ કાર્યવાહી એક રાષ્ટ્રીય વરિષ્ઠ પત્રકાર મહેશ લાંગાની કેસના સંબંધમાં 7 અન્ય લોકોની સાથે ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ કરવામાં આવી છે.
ED દ્વારા એક નોંધમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસ દર્શાવે છે કે PAN, મોબાઇલ નંબર અને 34 GST રજિસ્ટ્રેશન નંબર સંબંધિત ઈમેલ IDનો ઉપયોગ ગુજરાતમાં 50 સહિત અન્ય 186 રજિસ્ટ્રેશન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. જે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક અને વધારાના રજીસ્ટ્રેશન બાદમાં રદ કરવામાં આવ્યા હતા.
EDની નોંધમાં જણાવાયું હતું કે, “એવું લાગે છે કે આરોપી વ્યક્તિઓ દ્વારા નકલી અને શેલ એન્ટિટીનું સંગઠિત વેબ ઓપરેટ કરવામાં આવી રહ્યું છે, જેમાં આવી 200 થી વધુ કંપનીઓ સામેલ છે, આમ અયોગ્ય કંપનીઓને કરોડો રૂપિયાની છેતરપિંડીપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પસાર કરવામાં આવી રહી છે.” આ દરમીયાન વિગતો હજુ બહાર આવવાની બાકી છે કારણ કે અધિકારીઓએ જણાવ્યું હતું કે કાગળ અને ડિજિટલ પુરાવા બંને સહિત કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોની આકારણી કરવામાં સમય લાગશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ED આ GST ચોરી કેસમાં અન્ય એકમોની ભૂમિકા પણ જોઈ રહી છે કારણ કે તે “વ્યાપક ષડયંત્ર અને અપરાધની કથિત આવક પેદા કરવાના આરોપોની તપાસ કરે છે.”
મૂળ ફરિયાદ GST ઇન્ટેલિજન્સ (DGGI) ના ડાયરેક્ટર જનરલ દ્વારા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ અને અન્ય 12 કંપનીઓ સામે 2023 માં 4 મહિના સુધી માલસામાનની સપ્લાય કર્યા વિના છેતરપિંડીયુક્ત ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને નકલી ઇન્વૉઇસ ઇશ્યૂ કરવા બદલ દાખલ કરવામાં આવી હતી. તેમજ રિમાન્ડ અરજીમાં તપાસકર્તાઓએ ઉલ્લેખ કર્યો હતો કે લાંગા તેની પત્ની અને અન્ય સંબંધીઓના નામે ડીએ એન્ટરપ્રાઇઝ ચલાવતો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની સાથે રાજ્ય પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ પણ કેસની તપાસ કરી હતી.