મની લોન્ડરીંગ કેસમાં કાર્તિની સંડોવણી હોવાનું ખૂલતા રૂ.૫૪ કરોડની સંપત્તિ ઉપર ઈડીની નજર
પૂર્વ નાણામંત્રી પી. ચિદંમ્બરમના ભારતમા રહેલા બંગલા, કોટેજ, સહિતના રૂ.૧૫ કરોડની જમીન, ટેનીસ કલબ અને રૂ.૧૬ કરોડની કિમતના તેના ઝોરબાગ ખાતેના નિવાસ સ્થાનને ઈડીએ ટાંચમા લીધું છે. જોકે દિલ્હીનું તેનું ઘર પુત્ર કાર્તિ અને પત્નિ નલીનીનાં નામે છે. પરંતુ કાર્તિ ચિદંબરમ આઈએનએસ મિડિયા મની લોન્ડરીંગ કેસમાં જોડાયા હોવાનું માલુમ પડતા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે. તેની તમામ બેંક બેલેન્સ, અને જમીન મિલકત રૂ.૫૪ કરોડની હોવાનું ખૂલ્યું છે.
તેમજ ઉટીમાં તેને રૂ. ૪.૨૫ કરોડના બે બંગલા, અને કોડાઈકનાલ ખાતે રૂ.૨૫ લાખની ખેતી લાયક જમીન છે. ભારત ઉપરાંત સ્પેનમાં પણ કુલ રૂ. ૨૩ કરોડની સંપતિ છે. તો રૂ. ૯૦ લાખનું એફડી પણ છે. પોતાના બચાવમાં કાર્તિએ કહ્યું હતુ કે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં મારો કોઈ રોલ નથી આ બધી અફવાઓ ફેલાવામાં આવી છે. હાલ કાર્તિ અને તેના પિતા ગતવર્ષથી જ મની લોન્ડરીંગ કેસમાં સંડોવણી હોવાનો આક્ષેપ ધરાવે છે.
જયારે ચિદંબરમ નાણામંત્રી હતા ત્યારે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ કર્યા હોવાનું ખૂલ્યું છે. આઈએનએસનાં મિડિયા પ્રોમોટર્સ ઈન્દ્રાની મૂખરજી અને પિટર બંને હાલ તેની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલનીસજા ભોગવી રહ્યા છે.
પીએમએલએ કેસ સીબીઆઈની એફઆઈઆરને લીધે સામે આવ્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાર્તિ દ્વારા સંચાલીત કંપનીને આઈએનએકસ દ્વારા વિદેશી રોકાણ બદલ રૂ.૩.૫ કરોડ મળ્યા છે. જેને નાણામંત્રીએ મંજૂરી આપી છે આ સાથે જ એજન્સીએ કાર્તિની તમામ સંપતિ, મિલકતોને જાહેર કરી હતી. મની લોન્ડરીંગનો મુદો પ્રોપર્ટીના વેચાણથી સામે આવ્યો હતો. ઈડીએ કહ્યું હતુ કે આ કેસમાં વધુ ઉંડાણ પૂર્વક તપાસ ચાલુ છે.