આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસ મામલે કરાઈ કાર્યવાહી

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની 11.04 કરોડ સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી આઈએનએક્સ મીડિયા મામલે કરવામાં આવી છે.

ઇડીએ જે નિવેદન જાહેર કર્યું છે તેમાં કહેવાયું છે કે, કાર્તિ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અંતિમ આદેશ જારી કરાયો છે. ઇડીએ જણાવ્યું કે, 4 જપ્ત મિલકતોમાંથી 1 કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી સ્થાવર મિલકત છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુની શિવગંગાઈ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ છે અને આઈએનએક્સ કેસમાં સીબીઆઈ અને ઇડી બંને દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, સીબીઆઈએ 15મી મે-2017ના રોજ કેસ નોંધ્યો હતો, જેમાં 2007માં આઈએનએક્સ મીડિયા ગ્રુપને વિદેશમાંથી રૂ.305 કરોડ મેળવવા માટે અપાયેલી વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા દાખવવાનો આરોપ લાગ્યો હતો. ચિદમ્બરમ આ સમયગાળા દરમિયાન નાણામંત્રી હતા. ત્યારબાદ જ ઈડીએ પણ આ મામલે કેસ નોંધ્યો હતો. ચિદમ્બમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ફેબ્રુઆરી-2018માં આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને માર્ચ 2018માં તેમને જામીન મળ્યા હતા. ચિદમ્બરમ આ કેસમાં જામીન પર બહાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.