ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતાં ચાઈનીઝ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની વિવોના ચાર એક્ઝિક્યુટિવ્સની ધરપકડ કરી છે. વિવો ઈન્ડીયા ચાર એક્ઝિક્યુટિવ્સમાં એક ચીની નાગરિકનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્યવાહી કંપની વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. ઇડીએ ચીની મોબાઈલ કંપની વિવો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં એક ચીની નાગરિક સહિત 4 લોકોની ધરપકડ કરી તેમાં એક લાવા ઈન્ટરનેશનલનો એમડી પણ છે. લાવાએ ભારતીય મોબાઈલ કંપની છે. આ તમામ લોકોની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
વિવો ઈન્ડીયાએ ગેરકાયદેસર રીતે 1.25 લાખ કરોડ રૂપિયા ચીનમાં ટ્રાન્સફર કર્યા હતાં
એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા લોકોમાં ચીનના નાગરિક એન્ડ્ર્યુ કુઆંગ, લાવા ઈન્ટરનેશનલના એમડી હરિ ઓમ રાય અને રાજન મલિક અને નીતિન ગર્ગ નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. ઇડીની આ કાર્યવાહી એક વર્ષ કરતા પણ વધુ સમય પહેલા વિવો મોબાઈલ પર કરાયેલા દરોડા બાદ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી ગયા વર્ષના તેના દરોડા અને તપાસનો જ એક ભાગ છે. ઇડીએ 3 ફેબ્રુઆરી 2022ના રોજ મની લોન્ડરિંગ કેસમાં 48 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દિલ્હી પોલીસની એફઆઈઆર બાદ કરાઈ હતી. ઈડીની રેડ વિવો મોબાઈલ કંપની અને તેની 23 સહયોગી કંપનીઓના પરિસરમાં કરવામાં આવ્યા હતા. એમાં ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન પણ આમાં સામેલ હતું.
ભારતમાં ઘણી કંપનીઓ નોંધાયેલી છે જે ચીનને ફંડ ટ્રાન્સફર કરે છે. આ કંપનીઓએ ખોટી રીતે અહીંથી પૈસા ચીનમાં મોકલ્યા છે. ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં ટેક્સની ચોરી કરતી વખતે વિવો મોબાઈલ ઈન્ડીયા તેના અડધાથી વધુ વેચાણને ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કર્યું હતું. વિવો ઈન્ડીયાએ ગેરકાયદેસર રીતે 1.25 લાખ કરોડ રૂપિયા ચીનમાં ટ્રાન્સફર કર્યા છે.