PNBફ્રોડ કેસમાં આઠમાં દિવસે પણ ઈડી અને સીબીઆઈ સતત કડક રીતે કાર્યવાહી કરી રહી છે. ઈડીએ નીરવ મોદીના નાસિકમાં આવેલા શો-રૂમ ઉપર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત નીરવ મોદી અને તેની કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી છે. તેમાં એક રોલ્સ રોયસ, 2 મર્સિડીઝ બેન્ઝ, એક પોર્સ કાર, 3 હોન્ડા કાર, એક ટોયોટા ફોર્ચ્યુનર અને એક ટોયોટા ઈનોવા છે. આ ઉપરાંત આજે ઈડીએ નીરવ મોદીના રૂ. 7.80 કરોડના અને મેહુલ ચોકસી ગ્રૂપના રૂ. 86.72 કરોડના શેર્સ અને મ્યુચલ ફંડ જપ્ત કર્યા છે.
ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટરનું ઘર સીલ
ઈડીએ ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર અનિયથ શિવરામનનું મુંબઈમાં આવેલું ઘર સીલ કરી દીધું છે. જ્યારે બીજી બાજુ સીબીઆઈએ નીરવ મોદીના મહારાષ્ટ્રના અલીબાગમાં આવેલા નીરવ મોદીના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા છે. આ સંજોગોમાં એક્સપર્ટનું કહેવું છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના શો-રૂમમાંથી જપ્ત કરેલા હીરા-ઝવેરાતની નીલામી કરીને કૌભાંડની રકમ વસુલ કરવી મુશ્કેલ છે. તેમાં પાંચથી સાત વર્ષ લાગી શકે છે. આટલો સમય સરકારે તેમના હીરા-ઝવેરાતની સુરક્ષા ઉપર પણ લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે.