નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વિકાસદર બે ડિજિટમાં જ રહેશે તેવો મત વ્યક્ત કરતા નીતિ આયોગના વાઇસ ચેરમેન
અબતક, નવી દિલ્હી
ભારતીય અર્થતંત્ર ટનાટન બન્યું છે. આર્થિક વિકાસ દર નીચો જવાની વહેતી વાતો ઉપર પૂર્ણવિરામ લાગ્યો છે. નીતિ આયોગના વાઇસ ચેરમેને પણ જાહેર કર્યું છે કે આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષે 10 ટકા કે તેથી વધુ જ રહેશે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 10 ટકા કે તેથી વધુ રહેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષ 2022-23માં તે 8 ટકાથી વધુ રહેવાનુ અનુમાન છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમના પ્રસંગે રાજીવ કુમારે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના સાત વર્ષ દરમિયાન કંપનીઓના વિકાસ માટે મજબૂત આર્થિક પાયો નાખવામાં આવ્યો છે.
કોવિડ-19 મહામારીને કારણે બે વર્ષથી આર્થિક વૃદ્ધિના મોરચે સમસ્યા સર્જાય છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ 2021માં 9.5 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. રાજીવ કુમારે કહ્યું કે, મોનેટરી ફંડ અનુસાર, ભારત આગામી પાંચ વર્ષમાં ઝડપી વૃદ્ધિ હાંસલ કરનારો સૌથી મોટા અર્થવ્યવસ્થા વાળો દેશ હશે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા 10 ટકાના દરે વૃદ્ધિ પામશે. જે લોકો દાવો કરી રહ્યા હતા કે તે 9.5 ટકા અથવા તેનાથી ઓછું હશે તે ખોટા સાબિત થયા હતા. ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યું છે. તે જ સમયે, મોનેટરી ફંડે 2021માં 9.5 ટકા અને આવતા વર્ષે 8.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. રાજીવ કુમારે કહ્યું કે બદલાવ આવી રહ્યો છે અને લોકો ભારતમાં રોકાણ કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ગયા મહિને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ 6 ટકા વૃદ્ધિની આગાહી કરી હતી. નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે ભારતની મધ્યમ ગાળામાં સંભવિત સતત વૃદ્ધિ દર 8 ટકા સુધી રહેશે. ગયા મહિને, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ મહામારીનો હવાલો આપતા ભારતની મધ્યમ ગાળાની સતત વૃદ્ધિની સંભાવના ઘટાડીને 6 ટકા કરી હતી.
વ્હાઈટ ગોલ્ડ સાથે “સોનેરી ઘઉં” પણ સોનાની ટંકશાળ રચી દેશે
છેલ્લા દશકામાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન અને વૈશ્ર્વિક માંગ એક સાથે નિકળતા ભારત માટે અચ્છે દિન
ભારતમાં પાકતા ઘઉંની માગ દરિયાપારના દેશોમાં વધી રહી છે.ભારતના ઘઉંની માગ તાજેતરમાં વિશેષ રૂપે સાઉથ તથા વેસ્ટ એશિયાના દેશોમાં વધ્યાના સમાચાર આવ્યા છે. વૈશ્વિક આયાત-નિકાસ ક્ષેત્રે તાજેતરમાં જહાજ ભાડા વધતાં આના પગલે પણ ભારત માટે વિશ્વ બજારમાં ઘઉંની નિકાસને વેગ આપવા પોઝીટીવ સ્થિતિ સર્જાઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં તાજેતરમાં ઘઉંના ભાવ વધતા રહી દશ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે જહાજ ભાડા વધતાં આયાતકારો દેશો એવા દેશોમાંથી આયાત કરવાનું વધુ પસંદ કરતા થયા છે જ્યાંથી માલની આયાત કરાય તો જહાજભાડા સરખામણીએ સસ્તા પડે. તાજેતરમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેના પગલે જહાજભાડા વધતા જોવા મળ્યા છે. સરકાર હસ્તકના એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટના પાંચ મહિનાના ગાળામાં દેશમાંથી ઘઉંની નિકાસ નોંધપાત્ર વધી છે.આશરે 19થી 20 લાખ ટન જેટલી થઈ છે. ગયા વર્ષે કોરોનાના ઉપદ્રવ તથા વૈશ્વિક લોકડાઉનના પગલે આ ગાળામાં આવી નિકાસ જોકે નોંધપાત્ર ઘટી માંડ 3 લાખ ટન આસપાસ થઈ હતી. આ વર્ષે ઘઉંની નિકાસમાં ખાસ્સી વૃદ્ધિ દેખાઈ છે. વિશ્વ બજારમાં રશિયાના ઘઉં તથા ઓસ્ટ્રેલિયાના ઘઉંના ભાવ ઉંચા ગયા છે. અને તેના પગલે ભારતના ઘઉં માટે દરિયાપારના બજારોમાં માગ વધી છે. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન, ભારતમાંથી ઘઉંની નિકાસ મુખ્યત્વે બંગલાદેશ તરફ વધુ થઈ છે.આ ગાળામાં બાંગલાદેશ તરફ નિકાસ વધી આશરે 13થી 14 લાખ ટનની થઈ છે. જ્યારે શ્રીલંકા તરફ ઘઉંની નિકાસ આ ગાળામાં આશરે 1.65થી 1.70 લાખ ટનની તથા નેપાળ તરફ નિકાસ આશરે 1.50થી 1.60 લાખ ટનની નોંધાઈ છે. ઈન્ડોનેશિયા તરફ ઘઉંની નિકાસ આશરે1.30થી 1.35 લાખ ટનની જ્યારે યુનાઈટેડ આરબ અમીરાત તરફ ઘઉંની નિકાસ ભારતમાંથી આ ગાળામાં આશરે 1.10થી 1.20 લાખ ટન જેટલી થઈ છે.