રૂપિયો મજબૂત સ્થિતિમાં : વિદેશી રોકાણકારોએ પણ ભારતીય બજાર ઉપર વિશ્વાસ મૂકી મબલખ મૂડી રોકી
ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારોના મજબૂત વિશ્વાસે રૂપિયામાં મજબૂત અપાવી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 0.6 ટકા વધ્યો હતો, જે એક વર્ષમાં સૌથી મોટી તેજી માનવામાં આવે છે. વધુમાં અર્થતંત્ર પણ હવે ટનાટન થઈ ગયું છે. જેથી રોકાણકારોને આવનારા દિવસો ધોમ કમાણી કરાવવાના છે.
આ પહેલા સોમવારે ડોલર સામે રૂપિયો ગગડીને 80.12 થયો હતો જે અંતે 79.96 પર બંધ થયો હતો. મંગળવારે ભારતીય ચલણમાં સારી વાપસી થઈ અને 79.45 ના સ્તર પર આવી ગઈ. આ એક દિવસમાં 0.6 ટકાનો મોટો ઉછાળો છે, જે 27 ઓગસ્ટ, 2021 પછીની સૌથી મોટી તેજી માનવામાં આવે છે. નોંધનીય છે કે ફોરેક્સ માર્કેટમાં ડોલર હાલમાં બે દાયકામાં તેની સૌથી મજબૂત સ્થિતિ પર ચાલી રહ્યો છે.
ભારતીય શેરબજાર માટે વિદેશી રોકાણના સંદર્ભમાં છેલ્લા 20 મહિનામાં ઓગસ્ટ મહિનો સૌથી અસરકારક સાબિત થયો છે. આ સમયગાળા દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 6 બિલિયન ડોલર એટલે કે લગભગ 48 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે ડિસેમ્બર 2020 પછી સૌથી વધુ છે. આ જ કારણ હતું કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 2.7 ટકાનો જબરદસ્ત ઉછાળો મેળવવામાં સફળ રહ્યો હતો.
ઓગસ્ટ મહિનો શેરબજાર માટે જ નહીં, સરકારી દેવાના વિકલ્પો માટે પણ લાભદાયી રહ્યો
ઓગસ્ટ મહિનો માત્ર શેરબજાર માટે જ નહીં, પરંતુ સરકારી દેવાના વિકલ્પો માટે પણ લાભદાયી રહ્યો હતો. 2022નો આ પહેલો એવો મહિનો છે, જેમાં વિદેશી રોકાણકારોએ પણ સરકારી ઋણમાં નાણાં રોક્યા છે. આના કારણે 10 વર્ષની બોન્ડ યીલ્ડ પણ 6 બેસિસ પોઈન્ટ ઘટીને 7.18 ટકા થઈ ગઈ છે.
રૂપિયો વધુ મજબૂત થશે
નિષ્ણાંતો રૂપિયાને લઈને ઘણા આશાવાદી છે. તેમનું કહેવું છે કે કોમોડિટીની કિંમતો પાછી નીચે આવી રહી છે અને વિદેશી હૂંડિયામણનું રોકાણ પણ ઝડપથી વધી રહ્યું છે. તેનાથી રૂપિયાને ટેકો મળશે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે જ્યારે ડોલર સામે યેન, યુરો અને પાઉન્ડ જેવી અન્ય કરન્સી પર દબાણ ચાલુ રહેશે, ત્યારે ભારતીય ચલણ પુનરાગમન કરી શકે છે. આરબીઆઈ પણ રૂપિયાને સ્થિર કરવા માટે સતત પગલાં લઈ રહી છે.
મંદીની આશંકાથી ડોલર પર દબાણ વધવાની શકયતા
યુએસ જોબ માર્કેટના આંકડામાં નરમાઈને કારણે ત્યાંનું માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ રહ્યું છે. આ સિવાય ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના સંકેતને કારણે મંદીનું જોખમ વધી રહ્યું હોવાનું જણાય છે. વિશ્લેષકોનું માનવું છે કે આ કારણોથી આવનારા સમયમાં અસ્થિરતા વધશે, જેના કારણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ શકે છે. તેની અસર ડોલરની મજબૂતાઈ પર પણ પડશે. જ્યારે એશિયાની અન્ય કરન્સી દબાણ હેઠળ રહેશે,આરબીઆઈની મદદથી રૂપિયો પુનરાગમન કરી શકે છે.