અબતક, નવી દિલ્હી
ભારત દેશનું અર્થતંત્ર સતત વિકસિત થઇ રહ્યું છે. રિકવરી અને નિકાસ ક્ષેત્રમાં સારી એવી વૃદ્ધિ થઈ છે પરિણામે અર્થતંત્રની ગાડી પુરપાટ દોડી રહી છે. જેને કારણે ઘરેલુ ઉત્પાદન અને નિકાસ બન્ને ક્ષેત્રે ભારતની હરણફાળ નોંધાઇ છે. હજુ આવનારા દિવસોમાં આ બન્ને ક્ષેત્રોમાં હજુ સારા પરિણામો જોવા મળવાની આશા છે.
વડાપ્રધાન મોદીનું 2024માં 400+ બેઠકનું લક્ષ્ય સાકાર કરવામાં અર્થતંત્ર મહત્વનો મુદ્દો બનશે: આવનાર દિવસોમાં હજુ અર્થતંત્ર સુધરે તેવા સરકારના પ્રયાસો
કોરોના ના કપરા સમય બાદ જ્યારે સ્થિતિ સુધરતી જોવા મળી તે સમયે લોકોની ખરીદશક્તિમાં પણ અનેરો વધારો થયો છે પરિણામે જે અર્થતંત્રમાં કરતો હોવો જોઈએ તે સ્થિતિ નિર્માણ થઇ છે. કોરોનામાં વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે થવી જોઈએ અને વૈશ્વિક દેશોમાંથી જે માલનું પરિવહન થવું જોઈએ તે યોગ્ય રીતે ન થતા વિકટ સ્થિતિ ઉદભવી હતી પરંતુ હાલની સ્થિતિએ દેશનું અર્થતંત્ર પુરપાટ દોડી રહ્યું છે.
આગામી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી સરકાર અર્થતંત્રને પ્રમુખ મુદ્દો બનાવી ચૂંટણી લડશે જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે જે તે દેશની અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલતી હોય અને લોકોની ખરીદશક્તિ વધુ હોવાના પગલે અર્થતંત્રમાં સતત ફરતો હોય.
બીજી તરફ અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા નિકાસ ને વધુ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે આગામી નાણાકીય વર્ષ 2023 અને વર્ષ 2024માં દેશનો વિકાસ દર ઊંચો આવે તેના પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્યોને ચાલુ માસે ડબલ નાણા ફાળવતા નાણામંત્રી
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનેરાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે આ વખતે કેન્દ્ર તરફથી રાજ્યોને એકત્રિત કરવેરા આવકના હિસ્સા તરીકે આપવામાં આવતી રકમ બમણી કરવામાં આવશે.તેનું કારણ એ છે કે રાજ્યોએ કેન્દ્રને વિનંતી કરી હતી કે એક મહિનાનું એડવાન્સ પેમેન્ટ મળવાથી તેમને મૂડી ખર્ચમાં મદદ મળશે. સીતારમણે કહ્યું કે મેં નાણા સચિવને કહ્યું છે કે રાજ્યોને 47,541 કરોડ રૂપિયાની સામાન્ય રકમ આપવાને બદલે તેમને 22 નવેમ્બરે એક મહિનાનો એડવાન્સ હપ્તો પણ આપવામાં આવે.આ રીતે તે દિવસે રાજ્યોને 95,082 કરોડ રૂપિયા જારી કરવામાં આવશે.એક મહિનાનો ટેક્સ હિસ્સો અગાઉથી મેળવીને, રાજ્યો પાસે મૂડી ખર્ચ માટે વધારાના ભંડોળ હશે જેનો ઉપયોગ તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ બનાવવા માટે કરી શકશે.નાણા સચિવ ટીવી સોમનાથને
જણાવ્યું હતું કે હાલમાં એકત્રિત કરના 41 ટકા રાજ્યોને 14 હપ્તામાં આપવામાં આવે છે અને રાજ્યો પાસે તેમના રોકડ પ્રવાહ વિશે પણ અંદાજ છે. સોમનાથને કહ્યું કે તે એડવાન્સ પેમેન્ટ હશે અને માર્ચમાં કોઈપણ એડજસ્ટમેન્ટ કરવામાં આવશે.
ભારતીય અર્થતંત્ર પાટા ઉપર ચડ્યું: આરબીઆઈ
ભારતીય રિઝર્વ બેન્કે તેના એક બુલેટિનમાં જાહેર કર્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ટકાઉ સુધારા ઉપરના માર્ગે છે. વૈશ્વિક કક્ષાએ વિકટ પરિસ્થિતિ વચ્ચે અને કોવિડની સ્થિતિ દરમિયાન પણ ભારતની અર્થવ્યવસ્થા સુધારા ઉપર રહી છે.બુલેટિનમાં જણાવ્યું છે કે સંઘર્ષ કરીને અર્થવ્યવસ્થા ટનાટન બની છે. રોજગારી અને બજાર બન્ને સજી રહ્યા છે. તમામ આર્થિક ગતિવિધિઓ પણ મજબૂત બની રહી છે.ભારતીય શેર બજાર વિશે પણ તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય શેર બજારે ચાલુ વર્ષે અનેક નવા આયામો સર કર્યા છે. આ શેરબજારના રેકોર્ડએ રોકાણકારોને પણ અઢળક કમાણી કરાવી છે. આમ ભારતીય અર્થતંત્રની ભારતીય રિઝર્વ બેન્કએ પણ પ્રસંશા કરી છે.
ઓક્ટોબર મહિનામાં એન્જિનિયરીંગ ગુડ્સની નિકાસમાં 51%નો ધરખમ વધારો
એન્જીનિયરિંગ ગુડ્સની નિકાસ ઓક્ટોબર મહિનામાં 51 ટકા જેટલી વધી છે. ઇઇપીસી ઈન્ડિયાના અધ્યક્ષ મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્ય બજારોમાં તીવ્ર રિકવરી, માંગમાં વધારો અને સરકાર દ્વારા નિકાસમાં પ્રોત્સાહનને કારણે એન્જીનીયરીંગની નિકાસમાં વધારો આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “એન્જિનિયરિંગ માલની નિકાસમાં વધારો અર્થતંત્રને ટેકો આપવા અને વધુ નોકરીઓનું સર્જન કરવા માટે સુયોજિત છે કારણ કે આ ક્ષેત્ર અત્યંત શ્રમ માંગતું છે.” દેસાઈએ જણાવ્યું
હતું કે વધતી જતી નિકાસ માંગ ક્ષમતા વિસ્તરણ તરફ દોરી જશે અને તેથી વધુ એકંદર ખાનગી રોકાણ મળશે. પરંતુ તકનો લાભ લેવા માટે ખર્ચની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર સુધારો કરવાની જરૂર છે. જ્યારે સરકારે વ્યવસાયમાં સરળતામાં વધુ સુધારો કરવાની અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની જરૂર છે. ઉદ્યોગોએ પણ અપગ્રેડિંગ ટેકનોલોજીમાં રોકાણ કરવાની જરૂર છે.
ભારતની નિકાસ 43% વધીને રૂ.2.60 લાખ કરોડ થઈ: 30 વર્ષમાં 10 કરોડ રોજગારી ઉભી થશે
છેલ્લાં 30 વર્ષોમાં ભારતે અસંભવિત સિદ્ધિઓ હાંસલ કરી છે. અર્થતંત્રમાં ઐતિહાસીક સુધારા બાદ હવે ભારત 2030 સુધીમાં 10 કરોડથી વધુ રોજગારી ઉપલબ્ધ કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. બીજી તરફ ભારતે નિકાસ અને આયાતમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતની નિકાસ ઓક્ટોબરમાં 43 ટકા વધીને રૂપિયા 2.60 લાખ કરોડની થઈ છે. જ્યારે મહિના દરમિયાન વેપાર ખાધ વધીને રૂપિયા 1.41 લાખ કરોડ થઈ છે, એમ સોમવારે જારી
કરવામાં આવેલા સત્તાવાર માહિતીમાં જણાવાયું હતું. આયાત 62.51 ટકા વધીને રૂપિયા 4.09 લાખ કરોડ થઈ અને વેપાર ખાધમાં વધારો થયો.નિકાસ ક્ષેત્રો કે જેમણે ઓક્ટોબર દરમિયાન સકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી તેમાં પેટ્રોલિયમ, કોફી, એન્જિનિયરિંગ ગુડ્સ, કોટન યાર્ન/ફેબ્સ./મેડ-અપ્સ, જેમ્સ અને જ્વેલરી, રસાયણો પ્લાસ્ટિક અને લિનોલિયમ અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આજે પણ રોકડ જ “રાજા” નોટબંધી બાદ અત્યારે 15% વધુ રોકડ બજારમાં ફરે છે
કોઈપણ પરિસ્થિતિમાં રોકડ હાથમાં રાખવી તે ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે. મોટાભાગના લોકો કોઈ જગ્યાએ મુડીરોકાણ કરવાની જગ્યાએ ઘરમાં રોકડ રાખવી શ્રેષ્ઠ સમજે છે. દેશમાં મોટાભાગના એટલે કે અંદાજીત 90 ટકા સામાન્ય વ્યવહારો રોકડ ઉપર છે. કોરોના સમયમાં ઓનલાઇન પેમેન્ટમાં વૃદ્ધિ તો થઇ, પરંતુ લોકોને કેશ પર સૌથી વધુ ભરોસો રહ્યો છે. લોકડાઉન દરમિયાન સમય સમયની જરૂરીયાત માટે લોકોએ બેંકમાં કેશ કાઢવા પર પોતાની પાસે રાખવાનું ઉચીત
સમજ્યું. જેના કારણે નાણા વર્ષ 2020-21માં નોટોના સરક્યુલેશન સરેરાશની નજીક 17 ટકા વધુ રહ્યું. ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2020-21ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. રિપોર્ટના જણાવ્યા અનુસાર,વર્ષ 2016માં જ્યારે નોટબંધી આવી ત્યારે 15.4 લાખ કરોડની રોકડ માર્કેટમાં હતી. આ રોકડ આજે 17.74 લાખ કરોડે પહોંચી છે. એટલે નોટબંધી બાદ વધુ રોકડ માર્કેટમાં ફરી રહી છે.
ભારત, યુએઇ, ઇઝરાયેલ અને યુએસના વિદેશ પ્રધાનો આવતા અઠવાડિયે દુબઈમાં કરશે બેઠક
ભારત, યુએઇ, ઇઝરાયેલ અને યુએસના વિદેશ પ્રધાનો ટૂંક સમયમાં તેમની બેઠક યોજવાનું આયોજન કરી રહ્યા છે. હાલ દુબઈમાં વર્લ્ડ એક્સપો ચાલી રહ્યો છે. ત્યારે આ બેઠક આવનારા અઠવાડિયામાં દુબઈમાં યોજવામાં આવશે તેવી સંભાવના જાહેર થઈ છે. તેવો વિદેશ મંત્રી એસ જયશંકરે સંકેત આપ્યો છે. જેઓ તે દેશના ટોચના નેતૃત્વને મળવા યુએઇની મુલાકાતે છે. ભારત ઇઝરાયેલ અને યુએઇ બંને સાથે મજબૂત સંબંધો ધરાવે છે અને જ્યારથી અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે ત્યારથી તેઓએ ત્રિપક્ષીય વ્યવસ્થામાં કામ કર્યું છે. મે મહિનામાં, ત્રણેય દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ઇઝરાયેલ સ્થિત કંપની ઇકોપિયા
દ્વારા યુએઇમાં એક પ્રોજેક્ટ માટે ભારતમાં રોબોટિક સોલાર ક્લિનિંગ ટેક્નોલોજીનું ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે. આ ભાગીદારીની શરૂઆત ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઈન્ડો-ઈઝરાયેલ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દુબઈમાં યોજાનારી આ બેઠક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થનારી છે.