- છૂટક મોંઘવારી દર 5.08%થી જુલાઈમાં ઘટીને 3.54% થયો, આ દર પાંચ વર્ષના તળિયે પહોંચતા મોટી રાહત
અબતક, નવી દિલ્હી
અર્થતંત્રના મોરચે બે સુખદ આંકડાઓ સામે આવ્યા છે. જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 3.54 ટકા થયો હતો. જૂનમાં તે 5.08 ટકા હતો. તે જ સમયે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.2 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 4.7 ટકાની વૃદ્ધિ હતી.
ખાદ્યપદાર્થોની કિંમતોમાં નરમાઈને કારણે જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 3.54 ટકા થઈ ગયો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે રિટેલ ફુગાવો ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે ગયો છે. આ વર્ષે જૂનમાં ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છૂટક ફુગાવો 5.08 ટકા હતો. જ્યારે ગયા વર્ષે જુલાઈમાં તે 7.44 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો જુલાઈમાં 5.42 ટકા હતો. જૂનમાં તે 9.36 ટકા હતો. અગાઉ સપ્ટેમ્બર 2019માં છૂટક ફુગાવાનો દર ચાર ટકાથી નીચે હતો.
સરકારે રિઝર્વ બેન્કને રિટેલ ફુગાવાનો દર બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી સોંપી છે. રિટેલ મોંઘવારી દરમાં નરમાઈ બાદ વ્યાજદરમાં ઘટાડા અંગેનો નિર્ણય આરબીઆઇની આગામી પોલિસી બેઠકમાં લેવામાં આવી શકે છે. પોલિસી વ્યાજ દરોમાં ફેરફાર કરતી વખતે, સેન્ટ્રલ બેંક ચોક્કસપણે રિટેલ ફુગાવાના દરને ધ્યાનમાં રાખે છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે જુલાઈમાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો એ સકારાત્મક સંકેત છે. પરંતુ, ફુગાવો સંપૂર્ણપણે કાબૂમાં છે તે કહેવું ઘણું વહેલું છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 4.2%નો વધારો
અર્થતંત્ર સાથે જોડાયેલા બીજા સમાચાર ઔદ્યોગિક ઉત્પાદન સંબંધિત છે. માઇનિંગ અને પાવર સેક્ટરની સારી કામગીરીને કારણે જૂન મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ ચાર ટકા હતી. સરકારી આંકડા મુજબ જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 2.6 ટકા હતો. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે 3.5 ટકા હતો.
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ખાણકામ ક્ષેત્રે 10.3 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી હતી. પાવર સેક્ટરનો ગ્રોથ 8.6 ટકા હતો. આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂન સમયગાળામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર 5.2 ટકા રહ્યો હતો. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 4.7 ટકા કરતાં વધુ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકના સ્કેલ પર દેશની આર્થિક પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોની કામગીરીને માપતો માસિક ડેટા પ્રકાશિત કરે છે.