એસબીઆઈનો રિપોર્ટ: ભારતીય અર્થતંત્રએ જેમ બ્રિટનને પાછળ છોડ્યું તેવી જ રીતે 2029 સુધીમાં જર્મની અને જાપાનને પણ પાછળ છોડી દેશે
સરકાર અત્યારે અર્થતંત્રને મજબૂતાઈ આપવા કમર કસી રહી છે. સરકારના આ પ્રયત્નોને સફળતા સાંપડી રહી હોય આગામી 7 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ પોતાના એક રિસર્ચ પેપરમાં આ દાવો કર્યો છે.
ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતે બ્રિટનને હરાવીને પાંચમું સ્થાન મેળવ્યું છે. એસબીઆઈના રિસર્ચ પેપર મુજબ, ભારત 2014થી મોટા માળખાકીય પરિવર્તનમાંથી પસાર થયું છે અને હવે આ તબક્કે છે. ડિસેમ્બર 2021ની શરૂઆતમાં ભારતે બ્રિટનને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી.
ગ્રામીણ અર્થતંત્રને ધબકતું કરવા 300 જેટલા નાના ગામડાઓમાં પણ ખુલશે બેન્ક
દેશના ખૂણે ખૂણે લોકોને બેંકિંગ સુવિધા પૂરી પાડવા સરકાર પ્રયત્નશીલ છે. આ હેઠળ, જાહેર ક્ષેત્રની બેંકો નાણાકીય સમાવેશ અભિયાન હેઠળ વિવિધ રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 300 શાખાઓ ખોલશે, જ્યાં બેંકિંગ સેવા હજુ સુધી પહોંચી નથી. આ શાખાઓ એવા ગામોમાં ખોલવામાં આવશે, જ્યાં વસ્તી 3,000 થી વધુ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, એવું કહેવામાં આવ્યું હતું કે જે ગામો અત્યાર સુધી બેંકિંગ સેવાથી અળગા રહ્યા છે ત્યાં નવી શાખાઓ ખોલવામાં આવશે. રાજસ્થાનમાં સૌથી વધુ 95 શાખાઓ અને મધ્યપ્રદેશમાં 54 શાખાઓ ખોલવામાં આવશે. ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોની 38, મહારાષ્ટ્રમાં 33, ઝારખંડમાં 32 અને યુપીમાં 31 શાખાઓ ખોલવામાં આવશે. બેંક ઓફ બરોડા આ વિસ્તારોમાં 76 શાખાઓ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 60 શાખાઓ ખોલશે. બીજી તરફ, સરકાર આઇડીબીઆઈ બેંકમાં તેનો હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. આ માટે સપ્ટેમ્બરના અંત સુધી બિડ મંગાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે આરબીઆઈ સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે.
2027 સુધીમાં વૈશ્ર્વિક સ્તરે જીડીપીનો હિસ્સો વધીને 4%એ પહોંચશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીનો હિસ્સો હાલમાં 3.5 ટકા છે. વર્ષ 2014માં તે 2.6 ટકા હતો. 2027 સુધીમાં તે 4 ટકા થઈ શકે છે. હાલમાં વૈશ્વિક જીડીપીમાં જર્મનીનો હિસ્સો 4 ટકા છે.
2014માં ભારતીય અર્થવ્યવસ્થા 10માં ક્રમે હતી, 8 વર્ષ બાદ 5માં ક્રમે પહોંચ્યું
2014થી ભારતે અપનાવેલ માર્ગ દર્શાવે છે કે દેશે અર્થવ્યવસ્થાના મોરચે પ્રગતિ કરી છે. આ કારણે એવી શક્યતા છે કે વર્ષ 2029માં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો ટેગ મળી જશે. 2014માં ભારત વિશ્વના અર્થતંત્રમાં 10મા ક્રમે હતું. ત્યારથી, ભારત આઠ વર્ષમાં પાંચ સ્થાન ચઢ્યું છે.
ચાલુ વર્ષે ભારતના અર્થતંત્રની આગળ વધવાની ગતિ સૌથી વધુ રહેવાનો અંદાજ
રિપોર્ટ અનુસાર, ભારતે 2027માં જર્મનીથી આગળ નીકળી જશે અને વર્તમાન વૃદ્ધિ દરે 2029 સુધીમાં જાપાનને પાછળ છોડી દેવાની સંભાવના છે. આ અઠવાડિયે જાહેર કરાયેલા પ્રથમ ક્વાર્ટરના જીડીપી ડેટા અનુસાર, ભારતીય અર્થતંત્ર જૂન 2022 ના ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે.
ગુરુવારે ભારત અને જાપાન વચ્ચે 2+2 સ્તરની બેઠક
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે તેમની પાંચ દિવસની વિદેશ યાત્રા પર રવાના થયા છે. તેઓ મંગોલિયા અને જાપાન જશે. મળતી માહિતી મુજબ, તેમની મુલાકાતનો હેતુ બંને દેશો સાથે ભારતના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વિસ્તારવાનો છે. જાપાનમાં, રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ’ટુ પ્લસ ટુ’ ફોર્મેટમાં તેમના જાપાની સમકક્ષો સાથે વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની વાતચીત કરશે. રાજનાથ સિંહ 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મંગોલિયાની મુલાકાતે હશે, જ્યારે 8 અને 9 સપ્ટેમ્બરે તેમની જાપાનની મુલાકાત પ્રસ્તાવિત છે. એવું માનવામાં આવે છે કે ભારત અને જાપાન વચ્ચે 8 સપ્ટેમ્બરે ’ટુ પ્લસ ટુ’ ફોર્મેટમાં વાતચીત થશે. વાર્ષિક ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા માટે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા નવી દિલ્હી પહોંચ્યા તેના પાંચ મહિના પછી આ સંવાદ થઈ રહ્યો છે. ’ટુ પ્લસ ટુ’ સંવાદ દરમિયાન દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ વધારવાના માર્ગો પર વિચાર-વિમર્શની સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ પર ચર્ચા થવાની અપેક્ષા છે. બંને દેશોના સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા અને વિશેષ વ્યૂહરચના અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે વર્ષ 2019માં ભારત અને જાપાન વચ્ચે ’ટુ પ્લસ ટુ’ ફોર્મેટ સંવાદ શરૂ કરવામાં આવ્યો હતો.
નવા રોકાણની બાબતમાં ચીનની મંદ ગતિ ભારતને ફાયદો કરાવશે
રસપ્રદ વાત એ છે કે, નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર હાલમાં 6.7 ટકાથી 7.7 ટકા રહેવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની અનિશ્ચિતતાઓ વચ્ચે અમે માનીએ છીએ કે 6 ટકાથી 6.5 ટકા વૃદ્ધિ ભારતીય અર્થતંત્ર માટે ’ સામાન્ય’ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ભારતને અર્થવ્યવસ્થાના મોરચે લાભ મળવાની સંભાવના છે. કારણ કે ચીન નવા રોકાણની બાબતમાં ધીમી ગતિએ રહ્યું છે.
પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થા વધી રહી છે આગળ
ભારત અને બ્રિટનની અર્થવ્યવસ્થાને ડોલરમાં જોઈએ તો આઈએમએફના આંકડા મુજબ માર્ચ ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા 854.7 બિલિયન ડોલર હતી. તે જ સમયે, યુકેનું અર્થતંત્ર816 બિલિયન ડોલર હતું. આંકડા દર્શાવે છે કે ભલે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ મંદી અને મોંઘવારીની અસરથી પરેશાન છે, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા તમામ પડકારો વચ્ચે પણ ઝડપી ગતિએ આગળ વધી રહી છે.