- અર્થવ્યવસ્થાના આંકડા અનુમાન કરતા પણ વધારે સારા આવ્યા : ઉત્પાદન ક્ષેત્રમાં 11.6 ટકા, બાંધકામ ક્ષેત્રમાં 9.5 ટકા અને પબ્લિક એડમીન, ડિફેન્સ અને અન્ય સર્વિસ ક્ષેત્રમાં 7.5 ટકા વૃદ્ધિ નોંધાઈ
સરકારે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જે સાક્ષી પૂરે છે કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. સરકારે કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4%ના દરે રહી છે. અર્થવ્યવસ્થાના આ આંકડા અનુમાન કરતા ઘણા વધારે છે. દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાને કારણે જીડીપીની ગતિ વધુ વધી છે. અગાઉના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.6 ટકા હતો. બીજી તરફ ત્રીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રમાં 11.6 ટકા, બાંધકામ ક્ષેત્રમાં 9.5 ટકા અને પબ્લિક એડમીન, ડિફેન્સ અને અન્ય સર્વિસ ક્ષેત્રમાં 7.5 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને વિશ્વ બેંકથી લઈને આઈએમએફ સુધી બધાએ તેની પ્રશંસા કરી છે. હવે ત્રીજા ક્વાર્ટર માટે જે ઉત્તમ આંકડા બહાર આવ્યા છે તે પણ અર્થતંત્રની ઝડપી ગતિની પુષ્ટિ કરી રહ્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઝડપથી વધ્યું હતું. વાર્ષિક ધોરણે 8.4 ટકાનો આ દર 2022 ના બીજા ક્વાર્ટર પછીનો સૌથી મજબૂત વૃદ્ધિ છે, જે 6.6 ટકાના અનુમાન કરતાં ઘણો વધારે છે.
ભારતીય અર્થવ્યવસ્થાની આ ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને, એનએસઓએ તેના બીજા અનુમાનમાં નાણાકીય વર્ષ 2023-24 માટે દેશનો વિકાસ દર 7.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ, જાન્યુઆરી 2024 માં જાહેર કરવામાં આવેલી તેની પ્રથમ આગોતરી આગાહીમાં, વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનો અંદાજ હતો.
એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ આપતા તેનું વિશ્લેષણ બહાર પાડ્યું હતું. સંસ્થાએ જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ પણ મૂક્યો હતો. જ્યારે રેટિંગ એજન્સી આઇસીઆરએ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ માત્ર 6 ટકા રહેવાની આગાહી કરી હતી. પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે તે આ બધી આગાહીઓને પાછળ છોડી દે છે.
ઉત્પાદન ક્ષેત્રે 11.6 ટકાની વૃદ્ધિ જોઈ છે. જ્યારે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.8 ટકા રહ્યો છે. ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખ્યો છે. આ તમામ કારણોને લીધે નાણાકીય વર્ષ 2023-2024 માટે વિકાસ દરનો અંદાજ 7.3 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે.
રાજકોશીય ખાધ પણ અંકુશમાં આવતા અર્થતંત્ર ખીલ્યું
ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરીના અંત સુધીમાં સરકારની રાજકોષીય ખાધ 11 લાખ કરોડ રૂપિયાના સુધારેલા વાર્ષિક લક્ષ્યાંકના 63.6 ટકા પર પહોંચી ગઈ છે. રાજકોષીય ખાધ, એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં સરકારી ખર્ચ અને આવક વચ્ચેનું અંતર, કેન્દ્રીય બજેટ 2022-23ના સુધારેલા અંદાજના 67.8 ટકા હતું. ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં સરકારની રાજકોષીય ખાધ 17.35 લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદનના 5.8 ટકા હોવાનો અંદાજ છે.
કોલસા, સ્ટીલ, સિમેન્ટ, ગેસ, વીજળી અને ક્રૂડ જેવા મુખ્ય ક્ષેત્રોના ઉત્પાદનમાં વૃદ્ધિ
ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારના નિવેદન મુજબ કોલસા, સ્ટીલ, સિમેન્ટ, કુદરતી ગેસ, વીજળી અને ક્રૂડ ઓઈલ જેવા મુખ્ય ક્ષેત્રોના ઉત્પાદનમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. બીજી તરફ ભારતમાં આઠ મુખ્ય ક્ષેત્રોનો વિકાસ દર જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 15 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ મહિનામાં વિકાસ દર 3.6 ટકા હતો. ઇન્ડેક્સ ડિસેમ્બર 2023માં 4.9 ટકા અને જાન્યુઆરી 2023માં 9.7 ટકા વધ્યો હતો.