,Economy ,Politics ,AbtakSpecial
લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં અર્થકારણ અને રાજકારણને મહત્વના પરિમાણો ગણવામાં આવે છે. આર્થિક, સુખ-સમૃદ્વિ અને આવકના સ્ત્રોતનું નિયમન કરી સારી રીતે શાસન ચલાવવા માટે રાજકારણમાં અનિવાર્યતા બની છે. હવે આપણું લોકતંત્ર પરિપક્વ થઇને 75માં વર્ષમાં ગરીમામય પ્રવેશ કરી રહી છે ત્યારે રાજકારણની તાસીર અને લાક્ષણિકતા પણ સમયની સાથે બદલાય તો તેમાં વિષમય પામવા જેવું નથી.
એવ્રીથીંગ ઇસ ફેર ઇન લવ એન્ડ વોર, જંગ ઔર મહોબ્બત મેં સબ કુછ જાયઝ હૈ, રાજકીય ક્ષેત્ર પણ યુધ્ધ ભૂમિથી જરાપણ કમ નથી, રાજકીય સ્પર્ધા અને તંદુરસ્ત રાજકીય હરિફાઇમાં પણ કૂટનીતી અને આવડત અનિવાર્ય બની છે ત્યારે રાજકારણ, અર્થકારણ અને તકકારણનું સમન્વય જે લોકો સારી રીતે કરી શકે તેનો સમય ઘણો લાંબો ચાલે. દેશના સાંપ્રદ રાજકીય મંચ પર દરેક દોરમાં જે રાજકીય નેતા, પક્ષ અને સંગઠન સામેથી આવેલી તકને ઓળખવામાં, ઝડપવામાં અને તેનો ઉપયોગ કરવામાં સાવધ રહે તેને જ સફળતા વરમાળા પહેરાવે છે.
આઝાદીકાળથી લઇને આજ પર્યત: સુધી 75 વર્ષના સમયગાળામાં ભારતના રાજકારણમાં અનેક નાના-મોટા ચડાવ-ઉતાર સાથે આવેલાં વળાંક અને બદલાયેલાં સંજોગોમાં જે નેતા વ્યક્તિ અને પક્ષે તક ઝડપવામાં સતર્કતા દાખવી તેને સફળતા મળી છે. કોંગ્રેસથી શરૂ થયેલી દેશની રાજકીય ત્વારીખમાં વિપક્ષ અને ડાબેરી વિચારધારાઓના પક્ષની લાંબી મજલ બાદ રાજકીય વિચારધારાને વરેલા ભાજપનો યુગ ચાલી રહ્યો છે. સતત પરિવર્તન અને આવનારા સમયની પહેલેથી જ તૈયારી કરવાના વ્યૂ થી રાષ્ટ્રીય પક્ષ બનેલા ભાજપને સમયને પારખીને તકનો સદ્ઉપયોગ કરવામાં સૌથી વધુ શુંકનવંતો માનવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મિરથી લઇ પંજાબ સુધીની પ્રાદેશિક રાજકીય ગતિવિધીઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ થી લઇ પૂર્વત્તર રાજ્યોમાં રાજકીય ગંઠબંધન અને સામાજીક રાજકીય ક્ષેત્રમાં હિરાઓને પારખી રાજકીય શક્તિનો ઉપયોગ કરવામાં અત્યારે ભાજપ સૌથી મોખરે ચાલી રહી છે. રાજકારણમાં તકનું ઘણું મહત્વ છે. વર્તમાનની ગતિવિધીઓ ભવિષ્યમાં કેટલી વિરાટ તાકાત બનીને ઉભરી શકે તેની દિર્ઘદ્રષ્ટિ વર્તમાન રાજકારણમાં આવડત અને સફળતાનો પર્યાય બની રહ્યો છે. રાજકારણ વિશે એવું પણ કહેવાય છે કે સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત હોતી નથી. બીજી એક કહેવતમાં રાજકારણમાં કાયમી નથી કોઇ શત્રુ હોતુ કે નથી કોઇ મિત્ર, હોય છે તો બસ હિત જ સર્વોપરી હોય છે.
દેશના સાંપ્રદ રાજકારણમાં લાંબાગાળાના સંબંધો, વિશ્ર્વાસ એક વ્યક્તિ પરનું અવલંબન સંબંધોમાં નબળાઇઓને પોષવાની નીતી હવે ભૂતકાળ બની ગઇ છે. અત્યારે તો સમયની સાથે નહીં સમયની આગળ વધીને જે આવનારી તકને ઝડપી લે તેનો સમય આવે છે. જાહેર જીવન અને ચુંટણીમાં લોકસેવાના ખેડાણ કરીને કરીને મેળવેલી સત્તા અને બનાવેલી સરકારમાં પણ જો સંકલન અને અર્થકારણ,રાજકારણ અને તકકારણના સમન્વય સાધવામાં થાપ ખવાઇ જાય તો વર્ષોથી કરેલી મહેનત અને બનાવેલી બાજી બગડતા વાર લાગતી નથી.
ભૂતકાળમાં સત્તાના શિખરો સર કરી ગૂમનામીમાં ધકેલાઇ ગયેલા રાજકીય પક્ષોની સાથેસાથે વર્તમાનમાં રાજયોગ ભોગવતાં પક્ષ માટે પણ અર્થકારણ, રાજકારણ અને તકકારણના સમન્વયની સમજણ રાખવી જરૂરી છે. સત્તામાં મદ બનીને વર્તમાનમાં આંખો મીંચી લેનારાઓનો ભૂતકાળ ઝળહળતો રહેતો નથી. રાજકીય સફળતામાં આર્થિકસંકલન રાજકીય વ્યવસ્થા અને તકનો ઉપયોગ કરવાની કલા સફળતાની ચાવી છે.