૨૦૧૮માં રાજકોષિય ખાદ્ય વધારે રહેવાની સંભાવના
બજેટ સત્રમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ ઈકોનોમીક સરવે રજૂ કર્યો હતો. જેમાં નિકાસને બુસ્ટર ડોઝ આપવા માટે મલ્ટીપલ જવેલરી પાર્કની હિમાયત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી નાણાકીય વર્ષમાં દેશનો વિકાસ દર ૭ થી ૭.૫ ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. જીએસટી કે, નોટબંધીની અર્થતંત્ર કે વ્યાપાર જગત ઉપર માઠી અસર થઈ નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
સર્વેમાં મલ્ટીપલ જવેલરી પાર્ક સ્થાપવા ભલામણ કરાઈ છે. જેનાથી હિરા અને જવેલરી ઉદ્યોગમાં રોજગારીની તકોનું નિર્માણ થશે. હાલ ભારત જવેલરીનું સૌથી મોટુ એકસ્પોર્ટ કરે છે. આ ક્ષેત્ર આવક માટે મોટો સ્ત્રોત બની રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જવેલરી નિર્માણ માટે પ્રોત્સાહન આપવા તથા રિફાઈનરી અને હોલમાર્કિંગ સેન્ટર ઉભા કરવાની હિમાયત આર્થિક સર્વેમાં કરાઈ છે.
બીજી તરફ આર્થિક સર્વેમાં રાજકોષીય ખાદ્ય ૨૦૧૮માં વધશે તેવી શકયતા દર્શાવાઈ છે. નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવકુમારના દાવા મુજબ ૨૦૧૮માં રાજકોષીય ખાદ્યને ૩ ટકાના ટાર્ગેટ પર રાખવાની નીતિને બદલે ૩.૨ ટકા જેટલી રાખવાનો અંદાજ છે. બજેટમાં કલ્યાણકારી યોજનાઓ વધુ જાહેર થશે તેવો અંદાજ આ સર્વે પરથી ફલીત થાય છે. નાણા પ્રધાને રાજકોષીય ખાદ્ય હાયર લેવલમાં બતાવી છે. અલબત તેનો ટાર્ગેટ પણ અગાઉ કરતા તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.
આર્થિક સર્વેમાં ક્રુડ ઓઈલમાં વધતા ભાવને સૌથી મોટો પડકાર ગણવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી ૬.૭૫ ટકા રહેવાનો અંદાજ છે. આગામી વર્ષમાં ખાનગી રોકાણ અને નિકાસમાં વૃદ્ધિ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬-૧૭માં જીડીપી ૭.૧ ટકા, ૨૦૧૫-૧૬માં ૮ ટકા અને ૨૦૧૪-૧૫માં ૭.૫ ટકા રહ્યો હતો. આગામી વર્ષમાં જીડીપી ૭.૫ ટકાથી પણ વધુ રહેવાની આશા વ્યકત કરાઈ છે. એકંદરે આર્થિક સમીક્ષામાં ભારતીય અર્થતંત્રનું ચિત્ર ફૂલ ગુલાબી બતાવવામાં આવ્યું છે.
આર્થિક સર્વેમાં બોલીવુડના ફિલ્મોના ડાયલોગની રમઝટ પણ જોવા મળી છે. શની દેઓલની દામીની ફિલ્મના ખ્યાતનામ ડાયલોગ ‘તારીખ પે તારીખ’ તેમજ મનોજકુમારને ચમકાવતી ફિલ્મ ઉપકારના ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી’નો પણ ઉલ્લેખ થયો છે. સર્વેમાં ઈઝી ડુઈગ બીઝનેસની સામે ‘તારીખ પે તારીખ’ ડાયલોગનો ઉલ્લેખ થયો હતો. ઉપરાંત દેશના અર્થતંત્રની સમૃધ્ધિ બતાવવા ઉપકારના ગીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
૨૦૧૭માં ટુરીઝમથી વિદેશી ભંડોળમાં પોણા બે લાખ કરોડ એકઠા થયા
વર્ષ ૨૦૧૭માં ટુરીઝમના વિકાસના કારણે વિદેશી કરન્સી એકસ્ચેજથી થતી આવકમાં ૨૦.૮ ટકાનો ધરખમ વધારો થયો છે. આ આવક પોણા બે લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. સરકારે ટુરીઝમને પ્રોત્સાહન આપતા વિદેશી પર્યટકોનું પ્રમાણ ૨૦૧૭માં ૧ કરોડ ૨૦ લાખ સુધીનું રહ્યું છે. ૨૦૧૬માં વિદેશી પર્યટકોની સંખ્યા ૮૦ લાખ હતી. ટુરીઝમના વિકાસ માટે સરકારે ઈ-વિઝા સહિતની સુવિધાઓ આપવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ટુરીઝમના મેડિકલમાં ૧૬૩ દેશોના નાગરિકોને સરળ વિઝા આપવાની પણ ભલામણ થઈ હોય. વિદેશી ભંડોળમાં પોણા બે લાખ કરોડ એકઠા થયા છે.
ઘરેલુ હવાઇ સેવા વિકાસનો પંથ કંડારશે
છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય હવાઈ સેવામાં મસમોટા સુધારા આવ્યા છે. ભારત વિશ્ર્વનું ૩જા નંબરનું સૌથી મોટુ ડોમેસ્ટીક એવીએશન માર્કેટ બની ગયું છે. ૨૦૧૮-૧૯માં પણ ઘરેલુ હવાઈ સેવાનો વિકાસ અવિરત રહેશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. ૨૦૧૬-૧૭માં સ્થાનિક હવાઈ સેવા માટે સૌથી વધુ ટીકીટો બુક થઈ હતી. અમેરિકામાં આ પ્રમાણ માત્ર ૩.૩ ટકાનું હતું. જયારે ભારતમાં આ પ્રમાણ ૨૩.૫ ટકા જેટલુ અધધધ રહ્યું છે. હવાઈ સેવામાં આગામી સમય રહેશે. પરિણામે ઘરેલુ હવાઈ સેવા વિકાસનો પંથ કંડારશે તે નકકી છે.
મ્યુચઅલ ફંડથી લોકોની બચતમાં વધારો થયો
ભારતીય પરિવારો નાણાકીય બચત માટે હવે મ્યુચ્યુઅલ ફંડનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યા હોવાનું આર્થિક સર્વેમાં જણાવાયું છે. સંસદમાં મુકાયેલા આર્થિક સર્વે અનુસાર ૨૦૧૬-૧૭ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પ્રમાણ ૪૦૦ ટકા વધી ગયું હતું. ૨૦૧૫-૧૬માં આ પ્રમાણ માત્ર ૧૨૬ ટકાનું હતું. આ આંકડા પરથી ફલીત થયું છે કે, મ્યુચ્યુઅલ ફંડથી મધ્યમવર્ગીય પરિવારો બચત કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૮-૧૯માં મ્યુચ્યુઅલ ફંડથી થતી બચતનું પ્રમાણ ખૂબ વધશે તેવી ધારણા છે.
આજે પણ ભારતીય મા-બાપ પુત્રોને પ્રાધાન્ય આપે છે
બેટી પઢાવો, બેટી બચાવોના કેમ્પેઈન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા છતાં પણ હજુ ભારતીય મા-બાપ પુત્રોને વધુ પ્રાધાન્ય આપતા હોવાનું આર્થિક સર્વેમાં જણાવાયું છે. દિકરીના જન્મની જગ્યાએ દિકરાના જન્મનો વધુ મોહ ભારતીયોને છે. જે પરિવારમાં પુત્રનો જન્મ થયો હોય ત્યારબાદ અન્ય બાળકની ઈચ્છા રખાતી નથી. જયારે પુત્રના જન્મ બાદ પણ અન્ય બાળક રૂપે પુત્ર હોય તેવું ભારતીય માતા-પિતા ઈચ્છતા હોય છે. આ આંકડા ઈકોનોમીક સર્વેમાં અપાયા છે. દેશમાં ૨ કરોડ દિકરીઓ એવી છે જે પરિવારને જોઈતી નહોતી. આ આંકડાથી સીધુ ફલીત થયું છે કે, હજુ પણ ભારતીય માતા-પિતાને દિકરાઓનો મોહ વધુ છે.