૫ લાખ કરોડ માંગ્યા’તા ને આપ્યા ચાર ગણા !!

વડાપ્રધાનનાં ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાતથી ફિક્કી ખુશખુશાલ

ગરીબો, શ્રમિકો, નાના ધંધાર્થીઓ, ઉદ્યોગકારો માટે વાપરવા સુચન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર દેશના અર્થતંત્રને પુન: ધબકતું કરવા રૂા.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેનાથી ફિક્કીએ આનંદિત થઈ આ પેકેજને ગરીબો, શ્રમિકો, નાના ધંધાર્થીઓ અને ઉદ્યોગકારો માટે વાપરવા સુચન કર્યું છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ ડો.સંગીતા રેડ્ડીએ પાંચ લાખ કરોડના પેકેજની માંગ કરી હતી. જેની સામે સરકારે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.

દેશ અને વિશ્ર્વમાં કોરોના કહેર છે અને દેશમાં લોકડાઉન ચાલુ છે ત્યારે ધંધાર્થીઓ તથા આર્થિક જગતની વિવિધ સંસ્થાઓ દ્વારા અર્થતંત્રને પુન: ધબકતું કરવા માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ફિક્કીના અધ્યક્ષ ડો.સંગીતા રેડ્ડીએ વડાપ્રધાન તથા નાણામંત્રીને એક કાગળ લખી અર્થતંત્રને પુન: ધબકતું કરવા રૂા.પાંચ લાખ કરોડના આર્થિક પેકેજની માંગ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા આર્થિક પેકેજ વિશે પ્રતિભાવ આપતા ફિક્કી અધ્યક્ષ ડો.સંગીતાએ જણાવ્યું હતું કે, ભારત માટે બહુ મોટું વિચારવાનો સમય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીએ દેશ માટે ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ આપ્યું છે તે ભારતના સ્વપ્નોને મોટી તાકાત આપશે. સરકારે આ મહત્વનું  પગલું લીધુ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામને આ આર્થિક પેકેજનો ઉપયોગ ગરીબો, શ્રમિકો તથા નાના ધંધાર્થીઓ અને ઉદ્યોગપતિઓ માટે કરવો જોઈએ. આત્મનિર્ભરતા વિશે અધ્યક્ષા કહે છે કે, લેન્ડ, લેબર અને લીકવીડીટીમાં ફેરફાર બહુ મહત્વના છે. અમે વડાપ્રધાનના “આત્મનિર્ભર ભારત અભિયાનને પુરો સહયોગ આપીશું. વડાપ્રધાનને જે પાંચ મહત્વના સ્થંભ બતાવ્યો છે તેને મજબૂત બનાવવા કામ કરીશું.

તમને એ જણાવીએ કે ફિક્કી તરફથી નાણામંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં અર્થતંત્રને મજબૂત બનાવવા રૂા.૪ લાખ કરોડની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. તેમાં પણ ૨.૫ લાખ કરોડનું પેકેજ તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી હતી. હવે વડાપ્રધાનને જ્યારે ૨૦ લાખના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેથી ફિક્કીએ આ જાહેરાતને આવકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.